[ મૃત્યુ કેવું હશે, એ પછી જીવનું શું થતું હશે, વગેરે વિચારો દરેકને આવે છે. આપણે બધા જ મૃત્યુને કંઈક અંશે ભયની નજરથી જોઈએ છીએ, એને અમંગલ, અશુભ માનીએ છીએ. પરંતુ અહીં જે રીતે એને અભિવ્યક્ત કરવામાં આવ્યું છે એ ખરેખર કાબિલે-તારીફ છે. રામકૃષ્ણ પરમહંસદેવ કહેતા કે મૃત્યુ એ તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા જેવું છે, એક વસ્ત્ર ઉતારી બીજા વસ્ત્ર પહેરવા જેવું છે. તાજેતરમાં અકસ્માત થયો તે સમયે લાગ્યું કે મૃત્યુ સાથે મારી મુલાકાત થઈ, એથી એનો સંદર્ભ જીવંત લાગે છે. છેલ્લી ચાર પંક્તિઓ મને વિશેષ પ્રિય છે. ]
મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે
હરિન્દ્ર દવેની મારી ખૂબ ગમતી રચના.. આજે પ્રથમ વાર જ તમારો બ્લૉગ જોયો. ખૂબ સુંદર છે. થીમ સાચે જ ગમી ગઈ.
prem ma ava thaya anubhav k j same male tena hal-chal puchhu chhu
jo bhul ma aansu bija ni aankho ma thi pade to papan mari luchhu chhu…
કવિએ મ્રુત્યુને ખુબ જ સહજ ભાવે સ્વિકાર્યું છે તેની પ્રતીતિ આપણને થયા વિના રહેતી નથી. આવી જ પ્રેરણા બધાને જ મળે તો કેવું ???