Press "Enter" to skip to content

ઉમર ખૈયામની રુબાઈઓ – 4


આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ સમયાંતરે પ્રસ્તુત કરતા આવ્યા છીએ. આજે થોડી વધુ રુબાઈઓ માણીએ. એમાં જીવનની ક્ષણભંગુરતાને કેટલી સુંદર રીતે શબ્દોમાં રજૂ કરાઈ છે!

જાગ પ્યારા ! રંગનો સંદેશ લઇ આવી સવાર,
બે ઘડી માટે ફનાની કુંજ પર છાઇ બહાર;
ભર કસુંબલ રંગની તું યે બિલોરી જામમાં,
જોતજોતામાં ઊડી જાશે આ જીવનનું તુષાર.
*
હર પ્રભાતે ચેતવે છે કુર્કટો કેરી પુકાર,
જો ઊષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન ! કે એક રાત ઓછી થઇ ગઇ,
આયખું એમ જ ઘટી જાશે, કદી કીધો વિચાર ?
*
ધાર કે સંસારનો છે દોર સૌ તુજ હાથમાં,
ધાર કે તું વ્યોમને ભીડી શકે છે બાથમાં;
ધાર કે સોંપ્યા કુબેરોએ તને ભંડાર પણ,
આવશે કિંતુ કશું ના આખરે સંગાથમાં.
*
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઇ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
*
હોય તુજ આયુ સદી કે બે સદી અથવા હજાર !
એક દિવસ તો જવું પડશે તજી સૌ કારભાર;
તું ભિખારી હો કે રાજા, ફેર કૈં પડશે નહીં,
અંતમાં તો બેઉનો સરખો જ બોલાશે બજાર.

– ઉમર ખૈયામ (ગુજરાતી – શૂન્ય પાલનપુરી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.