ભાવો અને લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવાની ખૂબ જોવી હોય તો ગનીચાચાની આ ગઝલ જુઓ. આમ જુઓ તો કોઈ ભારેખમ શબ્દો વગર રોજબરોજના સંજોગોને જે રીતે વ્યક્ત કરાયા છે તે કાબિલે તારીફ છે. ખીલ્યું હો બારમાસી અજંપાનું ફૂલ ત્યાં મૂંઝવણની વેલ વાવ્યા વિના થાય .. એમાં અભિવ્યક્તિની નજાકત ધ્યાન ખેંચે એવી છે. તો વળી જામના ખાલીપાને તરસનાં મડદાં બેઠા કરે એમ કહી જે સજીવતા બક્ષી છે તે માણવા જેવી છે.
કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.
હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.
ખીલ્યું હો બારમાસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.
પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.
આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં દિનકર ઘણા ય થાય.
સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.
– ગની દહીંવાળા