સૌના બાળપણની સખી એટલે ઢિંગલી. બાળકો પોતાની પ્યારી ઢિંગલી સાથે ન જાણે કેટકેટલી અને કેવી મજાની વાતો કરતા હશે. એમને માટે તો એમની ઢિંગલી એટલે એમનું આખુંય વિશ્વ. બાળકોના એ અનેરા ભાવજગતની ઝાંખી કરાવતું આ સુંદર બાળગીત આજે સાંભળીએ અને આપણા બચપણના સોનેરી દિવસોને યાદ કરીએ.
*
*
ઢિંગલી મેં તો બનાવી મઝાની
તૈયાર એને હવે કરવાની.
એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં
દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,
લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો … ઢિંગલી
એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં
સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો
મોતીની માળા ને બંગડી ઘડી દો … ઢિંગલી
એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં
મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,
લાલ મખમલની મોજડી સીવી દો … ઢિંગલી
એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં
મમ્મી મમ્મી પાવડર લગાવી દો,
આંખે આજણ ગાલે લાલી લગાવી દો … ઢિંગલી
એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં
માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,
મોગરા ગુલાબનો ગજરો બનાવી દો … ઢિંગલી
એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં
બેન ઓ બેન લખતાં શીખવાડી દો,
એક બે ત્રણ ચાર ગણતાં શીખવાડી દો … ઢિંગલી
ઢિંગલી મેં તો બનાવી મઝાની
તૈયાર એને હવે કરવાની.
બાલ ગીતો તો બાળકોને આનંદ પુરો પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.
ખુબ સરસ બાળગીત આપે આપ્યું બાળપણ સુધી લઈ ગયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર
દિલીપ ગજ્જર