આમ તો હરદમ હજૂરી હોય છે,
આપણાં મનમાં જ દૂરી હોય છે.
મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.
ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.
ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.
દૂર બેઠા યાદ આવે છે સતત,
પાન પણ કેવાં કપૂરી હોય છે.
એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.
– આદિલ મન્સૂરી
ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.
વાહ્
રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને,
પછી કોને ખબર તમને યાદ રહું ન રહું.
મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.
વાહ
મૌનનો મહિમા મને ઊંડે ઊંડે લઈ જાય છે,
શબ્દની સરહદ સુધી પહોંચી તમે પાછા ફર્યા.
ખુબ સરસ રીતે શબ્દનો મહિમા દર્શાવવા બદલ આ દિલ આદિલ ને સો સો સલામ કરે છે તેમજ આપનો પણ આભાર મને છે કારણ કે આપના લીધે જ આટલી સરસ રચના પામી શક્યા… આભાર ફરી વખત …
ભાગ્યશાળી કે મને આદિલ જેવા કવિમિત્ર સાહિત્યસફરમાં મળ્યા, અનેક મુશાયરામાં સાથે કાવ્યપાઠ કરવાનું થયું..તમારા બ્લોગમાં તેમની ગઝલ વાંચી આનંદ થયો. મીતિક્ષા, અભિનંદન. તમારી સાહિત્યપ્રીતિને લાખ લાખ વંદન.
– દિલીપ, લેસ્ટર
ગુર્જરી બ્લોગથી મારે પણ ગુર્જરીની સેવા કરવી છે.