Press "Enter" to skip to content

રસ્તો કરી જવાના


જેની ખુમારી વિશે એમની રચનાનો એક એક શેર પોકારતો હોય, એ કવિની વાત શું કરવી ? કાળને પણ જે છાતી ઠોકીને કહી શકે કે તું થાય તે કરી લે એવા અમૃત ઘાયલ સાહેબની એક દમદાર રચના આજે માણીએ.

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

– અમૃત ઘાયલ

2 Comments

  1. Prerak V Shah
    Prerak V Shah May 5, 2009

    One of my most favourite poems. Let me complete it here…..

    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
    થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

    નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
    બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

    કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
    દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

    છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
    એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

    મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
    પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!

    એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
    હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

    સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
    સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

    સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
    દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

    અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
    ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

    દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
    આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

    અમૃત ‘ઘાયલ’

  2. raju
    raju December 16, 2008

    ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ? આ વિશ્વાસ-પ્રશ્ન ઘણો સાંપ્રત છે!
    ખૂબ સુંદર રચના. ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.