મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ … જ્યારે અસ્તિત્વ કે હોવાપણાનો આભાસ વ્યક્તિને ભારેખમ લાગવા માંડે ત્યારે ઊઠતા ભાવોને શબ્દોનું રૂપ આપવા પ્રયત્ન કર્યો છે. વધુ તો કૃતિ પોતે જ કહેશે.
ચાલ, પંખી થૈ નભમાં ઊડી જઈએ,
કે મીન થઈ જળમાં બૂડી જઈએ
હોવાની વેદના કેમે સહેવાય નહીં,
મૃગજળમાં ક્યાં લગી વ્હેતા જઈએ ? … ચાલ પંખી થૈ
ખરતાં આ પાન જોને મલકાતાં જાય,
ને સરિતાના નીર કેવાં છલકાતાં જાય,
રેતીના વ્હાણોમાં સૂરજના કાફલાને
દરિયો સમજીને ક્યાં લેતા જઈએ ? … ચાલ પંખી થૈ
ઝરમરતાં જળમાં ઉભરાતું આભ
ને ભમરાના ગુંજનમાં પડઘાતું આભ
આંબાની મંજરીએ ફૂટે ગુલાલ
તો કોયલના ટહૂકા ક્યાં મૂકી જઈએ ? … ચાલ પંખી થૈ
અધરોમાં ફૂટેલી ભવભવની પ્યાસ
ને ડૂબ્યા હથેળીમાં હણહણતા શ્વાસ
ફૂલોની શૈયા પર ઝંખના ધરી ને
આ વ્હેતી સુગંધ ક્યાં છોડી જઈએ ? … ચાલ પંખી થૈ
વાંઝણી ખજૂરીએ લટકે અજવાસ
ને સૂક્કાં વીરડાંનો ભીનો ઇતિહાસ
બળબળતા રણમાં ‘ચાતક’ની આશને
કોરી ક્ષિતિજે ક્યાં ઢોળી જઈએ ? … ચાલ પંખી થૈ
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખૂબ સરસ રચના છે.
સરસ રચના
ચાલ, પંખી થૈ નભમાં ઊડી જઈએ,
કે મીન થઈ જળમાં બૂડી જઈએ
હોવાની વેદના કેમે સહેવાય નહીં,
મૃગજળમાં ક્યાં લગી વ્હેતા જઈએ ?
મઝા આવી ગઈ.
વાહ દક્ષેશભાઈ સરસ ગીત……..મઝા આવી….
સરસ રચના..