સાંપ્રત ગઝલકારોમાં આગળ પડતું નામ ધરાવતા સુરત નિવાસી ગૌરાંગ ઠાકરની એક ગઝલ આજે માણીએ. સંબધોની ગહનતાને કેટલી સહજતાથી પંખીના ટહુકા અને ડાળીના પર્ણ તથા ફૂલ અને ફોરમના અવિભાજ્યપણાથી વ્યક્ત કરાઈ છે. ભાડાંના મકાન દ્વારા શરીરની ક્ષણભંગુરતાનો ઉલ્લેખ દાદ માગી લે તેવો છે. શબ્દોની નાજુક હથોડીથી લાગણીઓને સુંદર આકાર આપનાર ગૌરાંગભાઈનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’ તાજેતરમાં પ્રકાશિત થયો છે.
તમે બધાંથી અલગ છો તેથી, તમારું નોખું હું ધ્યાન રાખું,
ગુલાબ લઈને તમે મળો તો, હું મ્હેકની લ્યો દુકાન રાખું !
ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજી તો ડાળી ઝૂલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.
કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારાં ઘરનાં દીવાને માટે, હવાને આજે હું બાન રાખું.
તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘાં, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.
પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.
હું કૈંક જન્મોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું,
મેં ખોળીયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.
– ગૌરાંગ ઠાકર