જીવનની દોડમાં આપણે ભાગતા રહીએ છીએ. ખીલતા ગુલાબને જોવાનો, એકની પાછળ એક હારબંધ ચાલી જતી કીડીઓને નિહાળવાનો, પતંગિયાને ઉડતા જોવાનો કે ભમરાને એક ફૂલ પરથી ઉડીને બીજે બેસતાં જોવાનો સમય નથી રહ્યો. આપણી તીવ્ર ગતિએ ભાગતી જિંદગીમાં ક્યાંક એવો વિરામ હોય જ્યાં આપણે કુદરતને માણી શકીએ. એનું નિતરતું સૌદર્ય આત્મસાત કરવાની કોશિશ કરી શકીએ. કવિ કુદરતના સૌંદર્યને માણીને બેસી રહેવા નથી માંગતા પણ એના સર્જકને મળવા ચહે છે … એ શોધયાત્રાનો વિરામ ?
મને કોયલના ટપકતાં ટહુકા ગમે,
ને નિતરતી સુગંધ ફૂલોની ગમે,
અલ્લડ નદીની રમતિયાળ ચાલ,
ને પર્વતમાં પથરાયેલ પડઘા ગમે !
અંબર ને અવનીનું મિલન ક્ષિતિજે,
કેટલે …..દૂર થાય, નીરખવું ગમે
ઉષાના ઉજાળે, ઉઘડતા ઉનાળે
થઈ સ્થિર, શબ્દસ્થ બેસવું ગમે !
વૃક્ષો ને વાયરાની નિઃશબ્દ વાતો,
ને વસંતના ટહૂકાનો વૈભવ ગમે,
મનમાં ઉછળતાં ઉમંગોના મોજાં
ને તરંગોના તાલમાં તરવું ગમે !
કુદરતની કાયાને કંડારનારો,
શું નિર્જન મહાલયમાં બેઠો હશે ?
મળે કોઈને જો એ શ્વાસોનો શિલ્પી
તો કહેજો કે ‘યાત્રી’ને મળવું ગમે !
– રાજુ ‘યાત્રી’