Press "Enter" to skip to content

પૂજારી પાછો જા


માનવ તરીકે આપણે ઈશ્વરને આપણી સંવેદનાઓ ધરતા રહીએ છીએ. પરંતુ કદી વિચાર કર્યો છે કે મંદિરમાં કેદ થયેલ એ ઈશ્વરને કેવી લાગણીઓ થાય છે, કેવા ભાવો અને વિચારો આવે છે ? શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણીની પ્રસ્તુત કૃતિમાં એ બહુ સુંદર રીતે આલેખાયા છે. પરંપરાગત પૂજા, આરતી અને ઘંટારવોથી ઈશ્વરને પ્રસન્ન કરી શકાય છે એ માન્યતાનું કોમળ ખંડન અને ખરો પૂજારી તો પરિશ્રમ કરતો, બીજા માટે પરસેવા રેલતો મજૂર કે ખેડૂત છે એવું પ્રતિપાદિત કરાયું છે.

ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે, પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમનું ચિન્હ આ, પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

– કૃષ્ણલાલ શ્રીધરાણી

One Comment

  1. pragnaju
    pragnaju December 6, 2008

    આપણા દંભ અંગે કેવો પૂણ્ય પ્રકોપ !
    ભણવામાં આવતી આ કવિતા હજુ પણ યાદ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.