બચપણ વીતી ગયા પછી જ તેના અમૂલ્ય મૂલ્યનો અહેસાસ થાય છે. પણ જિંદગીનો એજ ક્રમ છે કે ગયેલું બચપણ કદી પાછું આવતું નથી. સંસ્મરણોમાં તેને શોધવાની વ્યર્થ કોશિશ જ કરી શકાય છે. જાદુગરીથી માંડી ગાયકી અને ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો શોખ ધરાવતા બહુમુખી પ્રતિભાવાન જેતપુરના ફિઝીશિયન ડો. જગદીપ નાણાંવટીની એક સુંદર રચના તેમના જ અવાજમાં.
*
*
ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું
મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું
સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું
ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું
શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું
મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું.
– ડો. જગદીપ નાણાવટી
શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું
મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું
ખૂબ સુંદર. યાદ આવી
જીવનને શોધું છું જયાં ત્યાં, પણ નથી મળતું, જીવનરેખામાં.
સુખને શોધું છું, જયાં ત્યાં, પણ નથી મળતું, દૃષ્ટિરેખામાં.
સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું
મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું
બહુ સરસ.. મજા આવી ગઇ.