ભારતના ફાઈનાન્શિયલ કેપિટલ એવા મુંબઈને કોઈની કાળી નજર લાગી ગઈ છે. આતંકનો પડછાયો શાંતિપ્રિય મુંબઈગરાઓને અને સહિષ્ણુ ભારતીયોને ચેનથી સૂવા દેતો નથી. જે હિંમતથી (?) મુંબઈના ગૌરવ સમી તાજ હોટલ, ઓબેરોય હોટલ, વી.ટી. સ્ટેશન તથા અન્ય સ્થળો પર હુમલા કરાયા છે તેને માટે શબ્દો જડતાં નથી. બસ એટલું લખાય છે કે હવે … હદ થઈ ગઈ. આતંકવાદીઓની જડતાના શિકાર થયેલ શહીદ જવાનોને અંતરના સલામ. અત્યારે દરેક ભારતીયની જબાન પર એક જ નારો હશે …. હવે આતંકવાદીઓને અને એમને પોષનારને માફ કરવાની ભૂલ … ભૂલથી પણ કરવી નથી. (શૂન્યે 1965માં પાકીસ્તાન સાથેના યુદ્ધ વખતે આની રચના કરેલી.)
ના નથી દોહરાવવો ઇતિહાસને, ભૂલથી પણ ભૂલ એ કરવી નથી.
માતના ટુકડા વધુ કરવા ચહે, દેશમાં એવા કપાતર છે હજુ
સંપની મહેલાતને ફૂંકી દીયે, સ્વાર્થ-ભૂખ્યા કૈંક પામર છે હજુ
એમનાં સ્વપ્નોને સંતોષો નહીં
ધર્મના પાખંડને પોષો નહીં … એકતાની ધૂપદાનીના કસમ
સત-અસતમાં જંગના મંડાણ છે, લીલુડાં માથાંઓ માગે છે વતન
છે જરૂરત આજ એવા વીરની, જે કહે યાહોમ બાંધીને કફન
ખૂનની લાલી વદન પર જોઈએ
વસ્ત્ર કેસરિયાં બદન પર જોઈએ .. વીર બાદલની જવાનીના કસમ
દેશના સોદા કરે મીરજાફરો, એમનાં માથાં વધેરો એ પ્રથમ
ક્યાંક જો આવે અમીચંદો નજર, વીણીવીણીને કરી નાખો ખતમ
ટકશે આઝાદી પ્રતાપોના તપે
આ સમે તો માત્ર ભામાશા ખપે. … ટીપુઓની જાંફેશાનીના કસમ
જ્યારે પણ માથું ઉગામે વનચરો, એ સમે નરકેસરીનું કામ છે
ત્રાટકે જ્યારે વતન પર ઘૂવડો, વીરલા જયશીખરીનું કામ છે
એ જ અર્પે છે વતનને જિંદગી
જેનું ધડ ઝૂઝી શકે છેવટ લગી. … રજપૂતોની ખાનદાનીના કસમ
ધર્મને ખોવો નથી ચોપાટમાં, દુર્દશા છે યાદ પૃથ્વીરાજની
ખૂબ વેઠીને સજા સદીઓ લગી, સિદ્ધિઓ હાંસલ કરી છે આજની
ઘોરીઓને માફ ના કરશો હવે
યુદ્ધનીતિમાં દયા ના પાલવે … વીજ શી તેજલ ભવાનીના કસમ
– શૂન્ય પાલનપુરી
માતના ટુકડા વધુ કરવા ચહે, દેશમાં એવા કપાતર છે હજુ
સંપની મહેલાતને ફૂંકી દીયે, સ્વાર્થ-ભૂખ્યા કૈંક પામર છે હજુ
જ્યારે પણ માથું ઉગામે વનચરો, એ સમે નરકેસરીનું કામ છે
ત્રાટકે જ્યારે વતન પર ઘૂવડો, વીરલા જયશીખરીનું કામ છે
ધર્મને ખોવો નથી ચોપાટમાં, દુર્દશા છે યાદ પૃથ્વીરાજની
ખૂબ વેઠીને સજા સદીઓ લગી, સિદ્ધિઓ હાંસલ કરી છે આજની
વાહ ભાઇ, તમો કમાલનું શોધી લાવો છો. આવો રસથાળ આપતા રહેજો.
આપણે આપણા દૈનિક જીવનમાં એટલા બધા વ્યસ્ત થઇ ગયા છીએ કે આપણા સમાજમાં કે આપણાં દેશમાં શું ચાલી રહ્યું છે તેની આપણને સભાનતા નથી હોતી. હવે ખરેખર આપણામાં અને આપણા દેશવાસીઓમાં જાગ્રુતિ આવવી જોઇએ. આવા સંજોગોમાં આ દેશભક્તિનું ગીત આપણામાં દેશપ્રેમ પ્રગટાવે છે. આ ભૂલથી પણ ભૂલ એ કરવી નથી … ખૂબ જ ગમ્યું. આવી રચનાઓ વારંવાર મૂકવા વિનંતી.
—