Press "Enter" to skip to content

એક જણ મળતું રહ્યું


ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
ને એક સાથે બીજી પળને કો’ક સાંકળતું રહ્યું.

ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી, તુજ મૌન સાંભળતું રહ્યું.

ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.

આ વન્ય કેડીઓ સમય ગાતો રહ્યો, ગાતો રહ્યો,
ને તે ક્ષિતિજની રેખ પર કોનું વદન ઢળતું રહ્યું !

‘ના કોઈની યે વાટ’ કહી જેણે ક્ષિતિજ તાક્યા કર્યું,
છેવટ સુધી એ આંખમાં આકાશ ટળવળતું રહ્યું.

હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.

– રાજેન્દ્ર શુક્લ

2 Comments

  1. pragnaju
    pragnaju November 19, 2008

    હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
    યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.
    ખૂબ ચીંતન માંગતી સુંદર ગઝલ
    હું તો …
    સદા નિર્વિકારી, નથી મૃત્યુભીતિ,
    ન તો જન્મ લીધો, નો માતા પિતા કો,
    છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
    તદાકાર છું હું તદાકાર છું હું !

    નથી દુઃખકારણ, ન હું દુઃખપૂર્ણ,
    ન કો શત્રુમારે ન હું શત્રુ કોનો,
    છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
    તદાકાર છું હું તદાકાર છું હું !

  2. ATUL
    ATUL November 26, 2008

    ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
    આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.

    સર્વ રોગોની એક જ દવા સમય. સમય જતાં બધુંજ દુઃખ ભુલાતું જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.