Press "Enter" to skip to content

મને દેખાય છે


વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

– બરકત વીરાણી ‘બેફામ’

2 Comments

  1. Atul
    Atul November 13, 2008

    તું નયન સામે નથી તોપણ મને દેખાય છે..
    હા એ જ પ્યાર છે. બેફામ ની આ રચના સરસ લાગી

  2. pragnaju
    pragnaju November 12, 2008

    છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
    પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.
    અમે વાત વાતમાં વાપરીએ તે મઝાની પંક્તી
    યાદ આવી
    અતિથિ થઈ મરણ જો બારણે આવે તો દેવોભવઃ
    તે કાઢો પ્રાણની ચાદર ને પગમાં પાથરી જાઓ
    ફૂલ ઝાકળ રંગ ખુશ્બૂ કંઈ નથી બાકી હવે
    ડાળ પર ખાલી પડેલો એક માળો ઘૂઘવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.