વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.
*
ફિલ્મ: ગંગા સતી (1979)
*
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે
– ગંગા સતી
આ પદ ખૂબ સરસ છે. અને લખાણ પણ ખૂબ સરસ છે.
સુંદર……….
મીરાંનો વખ કટોરો રાધાનું એક આંસુ
વીજળીને ચમકારે પાનબાને પા”શું
ઘણા વખતથી સાંભળવાની ઈચ્છા પૂરી થઈ! ધન્યવાદ.
સુંદર ભજનનું સરસ રસ દર્શન
મારી પણ ઘણા વખતની ઈચ્છા પૂરી થઈ. ધન્યવાદ.
જીવનની ક્ષણિકતા ને જાણ્યા એજ આભાર.
ભારત દેશની ગરીમા એટલે પાનબાઈ. માત્ર પાનબાઈનુ એક ભજન જ માનવીને માણસ બનાવવા માટે પર્યાપ્ત છે.
રમેશભાઈ ચાપાનેરી
Excellent. Writeup is informative and gives brief history. All are not aware abt the history. liked very much
સરસ . ગમ્યુ. આભાર.
વિષ્ણુપ્રસાદ
ગમ્યું .. આભાર.
ખુબ ખુબ આભાર આપનો………વર્ષો થી આ સુંદર ગીત વિવિધ ભારતી ના પ્રોગ્રામ ની શરૂઆત માં આવતું બાળપણ માં રોજ સંભાળતા …….ત્યારથી આ સરસમઝા નું ગીત હું શોધતો હતો……આજે આપનો ખરેખર ખુબ ખુબ આભાર માનું છું કે મારી વર્ષો ની શોધ તમે પૂરી કરી……..ફરી એક વાર ખુબ ખુબ આભાર