આપણા દરેકમાં આપણા માતાપિતા સૂક્ષ્મ રૂપે જીવતા હોય છે. એમના તરફથી આપણને ન માત્ર રૂપ અને આકાર મળે છે પરંતુ સંસ્કાર, શોખ અને જ્ઞાનનો ખજાનો પણ જાણ્યે-અજાણ્યે મળે છે. આ વેબસાઈટ શરૂ થઈ તો પપ્પાએ એમની 1950-1975 સુધી લખેલી ડાયરીઓ કાઢી અને એમાંના કેટલાક ચૂંટેલા શેર અને મુક્તકો મોકલાવ્યા. આજે એ અહીં રજૂ કર્યા છે. મારા સાહિત્ય-રસના મૂળિયાં કેટલા ઊંડા છે તે જોવા પપ્પાનો આ ખજાનો વાંચવો જ રહ્યો. થેંક યુ પપ્પા … કહેવાની જરૂર છે ?
મને આશા નિરાશાઓ, સદા ઝૂલા ઝૂલાવે છે,
જીવન લાગે મરણ જેવું, મરણ લાગે જીવન જેવું.
*
કિનારે ના મઝા આવી, મઝા આવી ન મઝધારે,
મઝા તો ક્યાં અને ક્યારે પછીથી આવવાની છે?
*
બિછાનું છે ધરા કેરું, સુવાની શી મને ચિંતા,
અને વળી ઓઢવાની છે, મઝાની આભની ચાદર !
*
નજરથી દૂર સંતાવું ને લેવી ઓથ પરદાની
તમારા રૂપને પણ તેજોવધની બીક લાગે છે ?
*
રૂપની ભિક્ષા લેવા, અંતર તારું દ્વાર જ શોધે છે,
એક જ ઘરની ટહેલ કરે તે અભ્યાગતને શું કહેવું?
*
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં, ફૂલોની સેજ માની.
*
અરે! ના છેડશો, ના છેડશો મુજ દિલ-સિતારીને,
હવે તો ફક્ત એમાં વેદનાના સૂર બાકી છે,
વ્યથા, આહો, નિસાસા, દર્દ, દાગો, કારમું ક્રંદન,
હૃદયની ઝૂંપડીમાં કેટલાં મહેમાન બાકી છે !
*
સ્વમાની કવિ કોઈ જગના ચરણમાં, ઉમંગી ઝરણ કોઈ વેરાન રણમાં
વસંતોનો માલિક છે કોઈ અનાડી, પરેશાન ઇન્સાન જોયા કરે છે !
ચમનમાં રહો પણ ફૂલોને ન અડકો, ઝબોળી દો જળમાં જુવાનીનો ભડકો,
પડે છે મુહોબ્બતના પગ પર કુહાડો, પરેશાન ઈન્સાન જોયા કરે છે!
*
શમાને જુલ્મથી નવરાશ ક્યાં કે એટલું સમજે !
કે પાંખો મૃત પતંગાની જ મળવાની કફન માટે,
ફનાની ભાવના સાથે પતન પણ એક સિદ્ધિ છે
પડે ઝાકળ તો ગુલ, પાલવ પ્રસારે છે જતન માટે.
*
બળી મરવું પ્રણય માટે પ્રણયની એ જ શોભા છે,
પતંગાઓ ને દીપક એ ફરજમાં એક સરખા છે.
પતંગાએ તો પળભરમાં, બળી ઠારી લીધું હૈયું,
પરંતુ આ દીપિકાએ વેદના તો રાતભર વેઠી.
I know your website by Jayesh And Depika i enjoy it. i keep reading more and reply
નાશ ન થઈ શકે તેવો મઝાનો ખજાનો
વારંવાર માણવા ગમે તેવા મુક્તકો
વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા
ગમતાનો ગુલાલ!
વહેંચવાનું વસિયતનામુ! ધન્યવાદ.
મુક્તકોનો મઝાનો ખજાનો તમે આપ્યો. જાણે દિવાળીમાં બોનસ.