આજકાલ શોર્ટકટનો જમાનો છે. બધાને જલ્દી જલ્દી બધું મેળવવું છે. જીવનમાં સફળતા મેળવવા માટે પણ એ એટલું જ લાગુ પડે છે. એ વાતને એક જુદા જ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. પૂર માટે માત્ર સ્થાનિક વાદળો જ પૂરતાં નથી. કારણ એનાથી બે ઘડી પાણી વરસીને ઓસરી જાય .. ખરેખર જો તમારે ઝળકવું હોય, સફળતાની બુલંદી પર પહોંચવું હોય તો પૂરેપૂરું વિષયજ્ઞાન એટલે કે ઉપરવાસમાં પણ વરસાદ જેવું હોવું જોઈએ. મને ખૂબ ગમતા શેરનું આ મારું ગમતું અર્થઘટન છે. ગઝલના બધા જ શેર સુંદર છે. માણો આ રચનાને.
આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.
સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.
ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.
આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !
પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.
ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.
– મુકુલ ચોકસી
ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી દોસ્ત…બહુ સાચી વાત કહી કારણ …
અને જો બને તો એમાં દમ નથી હોતો દોસ્ત….
ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.
આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !
આજકાલ શોર્ટકટનો જમાનો છે. { હમણા તમે બધાએ જોયું ને કે શેરબજારમાં લોકોને રાતોરાત સફળ થવું હતું અને જલ્દી જલ્દી બધું મેળવવું હતું. એ શોર્ટકટ કેટલો અઘરો પડ્યો તે સહુ જાણે છે } જીવનમાં સફળતા મેળવવા માટે પણ એ એટલું જ લાગુ પડે છે. અહીં એ વાતને એક જુદા જ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. બહુ સરસ. અત્યારે શેરબજારમાં ઘવાયેલા લોકો માટે મલમની ગરજ સારશે.