પ્રેમ છે તો અઢી અક્ષરનો પણ એને સમજતા, સમજાવતા, અનુભવતા અને વ્યક્ત કરતા વરસો વહી જાય છે, ક્યારેક જિંદગી પણ ઓછી પડે છે. પ્રસ્તુત ગીતમાં કવિ પ્રેમમાં પડ્યા છો એમ પૂછીને પ્રેમની અનુભૂતિ વિવિધ રીતે વ્યક્ત કરે છે. એક એક પ્રશ્ન એટલો ધારદાર છે કે હૃદય સોંસરવો ઉતરી જાય છે ..માણો આ મજાનું ગીત કેદાર ઉપાધ્યાયના સ્વરમાં.
*
*
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
– મૂકેશ જોશી