Press "Enter" to skip to content

બરબાદ કર

ખોટ તારે ત્યાં ખુદા શી છે ? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર.

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર.

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર.

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર.

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર.

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જીંન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર.

– બરકત વિરાણી ‘બેફામ’

3 Comments

  1. Ashwin-Sonal
    Ashwin-Sonal October 2, 2008

    પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું ?
    એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર.

    હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
    દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર

    જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
    ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર

    દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
    સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.

    હા, દોસ્ત સાથે દુશ્મન અને મીલન સાથે જૂદાઈ જરુરી છે. ખુબ સરસ રચના છે. સલાહ સાચી આપી છે પણ આપણે અમલ કેવી રીતે કરીએ તેના પર આધાર છે.

  2. Pragnaju
    Pragnaju September 23, 2008

    અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
    જીંન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર.

    ‘બેફામ’ની સીધી સાચી વાત

  3. Atul
    Atul September 21, 2008

    If title would have been Abad kar that would be more appropriate. would have given positive enrgy. Any way its good. Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.