Press "Enter" to skip to content

બાવળને આવ્યો કંટાળો

થોડો બાવળને આવ્યો કંટાળો –
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો

‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ,
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હૂંફાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ‘ઓકે’,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે,
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

– કૃષ્ણ દવે

4 Comments

  1. Admin
    Admin October 2, 2013

    નવનીતભાઈ,
    આ રચના કૃષ્ણ દવેની છે. શરતચૂકથી નામ રહી ગયું હતું. ધ્યાન પર લાવવા બદલ આભાર ..

  2. Navnit Soni
    Navnit Soni October 2, 2013

    ખુબ સરસ. આ કાવ્ય આ અગાઉ ગુજરાત સરકારના ૨૦૦૧ કે ૨૦૦૨ ના “ગુજરાત દીપોત્સવી” અંકમાં વાંચ્યાનું યાદ છે. તેના કવિ કોણ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.