આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.
લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.
ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા શમણાંની વારતા.
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઇ નથી આવતા.
દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.
– ગૌરાંગ દીવેટીયા
સુંદર કવિતા
આ પંક્તી વધુ ગમી
લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
યાદ આવી
વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.
દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો…..
દ્રષ્ટિ વિનાની આંખો કેટલી લાચાર હોય છે !
ચક્ષુદાનનો મહિમા અહીં સુંદર રીતે ઉજાગર થાય છે.
અભિનંદન !