Press "Enter" to skip to content

Category: પ્રકાર

ચાહી શક્યો છું ક્યાં !


[Painting by Donald Zolan]
*
પછી વરદાનમાં બીજું કશું માગી શક્યો છું ક્યાં!
તને ચાહ્યા પછી હું કોઈને ચાહી શક્યો છું ક્યાં!

નજર ટકરાઈ એ ક્ષણથી જ હું દિગ્મૂઢ બેઠો છું,
હજી હું આંગળા આશ્ચર્યથી ચાવી શક્યો છું ક્યાં!

ગયો ગંગાતટે પણ આચમન કે સ્નાન ના કીધું,
તને સ્પર્શ્યા પછી કોઈ ચીજથી નાહી શક્યો છું ક્યાં!

દીવાના અગણિત અહેસાનની નીચે દબાયો છું,
હવાનો હાથ ઝાલી બે કદમ ચાલી શક્યો છું ક્યાં!

હવે પુરુષાર્થ કરતાં ભાગ્ય પર ઝાઝો ભરોસો છે,
હથેળીમાં લખ્યું એથી વધુ પામી શક્યો છું ક્યાં !

ઉઘાડાં બારણાં હોવા જ કૈં પૂરતું નથી હોતું,
વિના સ્વાગત હું મારે ઘેર પણ આવી શક્યો છું ક્યાં!

સમયસર આપ આવ્યા તો થયો અફસોસ ‘ચાતક’ને,
તરસના સ્વાદને હું મનભરી માણી શક્યો છું ક્યાં!

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

ખોઈ બેઠો છું


*

પ્રસંગોમાં જીવું છું તોય ઘટના ખોઈ બેઠો છું,
હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું.

મને મંઝિલ મળી એનો હરખ છે, ના નહિ પાડું,
છે પીડા એજ કે હું ગમતાં રસ્તા ખોઈ બેઠો છું.

વિવાદોમાં હતો ત્યારે ઘરે ઘરમાં હું ચર્ચાયો,
જીવું છું સાફસૂથરું તો એ ચર્ચા ખોઈ બેઠો છું.

પ્રસિદ્ધિના શિખર પર એ ખબર પડતી નથી જલ્દી,
હું મારી જાતને મળવાના નકશા ખોઈ બેઠો છું.

હું પત્થર પૂજતો ત્યારે ન’તી મારી દશા આવી,
મળી કૈં સાધુ-સંતોને હું શ્રદ્ધા ખોઈ બેઠો છું.

તને બેચેન રાતોની કસક હું કેમ સમજાવું,
હું તારી નિંદ માટે મારા સપના ખોઈ બેઠો છું.

પુરાવો પ્રેમનો એથી વધારે શું તને આપું?
રટૂં છું નામ તારું ને હું ગણના ખોઈ બેઠો છું.

મળી ખોબો ભરીને હર ખુશી પરદેશમાં ‘ચાતક’
હું મારો દેશ, મારી માની મમતા ખોઈ બેઠો છું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

તને હું કેમ સમજાવું?


*
અજબ છે મૌનની ભાષા, તને હું કેમ સમજાવું !
પડે છે શબ્દ ત્યાં ટાંચા તને હું કેમ સમજાવું !

તું પૃથ્વી ગોળ માનીને નીકળતી ના કદી ઘરથી,
જીવનમાં હોય છે ખાંચા તને હું કેમ સમજાવું !

ગણતરી એ હતી કે જિંદગીમાં ક્યાંક પહોંચાશે,
પડ્યા એમાં અમે કાચા, તને હું કેમ સમજાવું !

અતિથિ દેવ માનીને કર્યું સ્વાગત મુસીબતનું,
મળ્યા એમાંય દુર્વાસા, તને હું કેમ સમજાવું !

સીવેલા હોઠની પીડા હૃદયનું રૂપ ધારે છે,
ફુટે છે આંખને વાચા, તને હું કેમ સમજાવું !

મેં ઈશ્વરને કહ્યું થોડા દિવસ માણસ બનીને જો,
જશે ઉતરી બધાં ફાંકા, તને હું કેમ સમજાવું !

ગયા છે છેતરી ‘ચાતક’ હલેસાં, હાથ ને હોડી,
કિનારાઓ હતા સાચા, તને હું કેમ સમજાવું !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments

chat છે


*
શ્વાસ પર લાગેલ સઘળી bet છે
જિંદગી સપનાંની સાથે date છે

સુખ લગભગ માઉસ જેવું હોય છે,
દુઃખ એ પાછળ પડેલી cat છે.

છે સફળતા આભમાં ઊડતા વિહગ,
હસ્તરેખા પાથરેલી net છે.

લાગણીની આપ-લેના મામલે,
અશ્રુ એ લાગુ પડેલો VAT છે.

શ્વાસ ધીમા થાય એનો અર્થ એ,
મોતની ગાડી સમયથી late છે.

એકતરફી ચાલતી, આખું જીવન,
પ્રાર્થના ઈશ્વરની સાથે chat છે.

ભાગ્યમાં ‘ચાતક’ પ્રતીક્ષા છે તો છે,
લાઈફનું પૂછો તો બંદા set છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Leave a Comment

આંસુ નીકળતાં હોય છે


*
અલવિદા ૨૦૨૧. સ્વાગત ૨૦૨૨.
સૌ મિત્રોને ઈસુના નવા વર્ષની શુભકામનાઓ.
*
આકરા સંઘર્ષમાં આંસુ નીકળતાં હોય છે,
કે પછી બહુ હર્ષમાંં આંસુ નીકળતાં હોય છે.

પાંપણો બીડી સહજ જોઈ શકાતા હોય એ,
સ્વપ્નના ઉત્કર્ષમાં આંસુ નીકળતાં હોય છે.

એકલી ભીંતો રડે? એવું તો થોડું હોય કંઈ?
ક્યાંક ભીની ફર્શમાં આંસુ નીકળતાં હોય છે.

ઠાઠ, ઠસ્સો, મદભરેલી ચાલથી અંજાવ ના,
રોજ એના પર્સમાં આંસુ નીકળતાં હોય છે.

હોય છે પથ્થર સમા કોઈ તબીબોના હૃદય,
કોઈ ઋજુ નર્સમાં આંસુ નીકળતાં હોય છે.

કેટલા મહિના દિવસ હસતો રહે છે માનવી,
એ હિસાબે વર્ષમાં આંસુ નીકળતાં હોય છે.

આંખને પૂછીને ‘ચાતક’ ખાતરી એની કરો,
પ્રેમના નિષ્કર્ષમાં આંસુ નીકળતાં હોય છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Leave a Comment

કશું કરવું નથી


[Painting by Donald Zolan]
*
ખીસ્સું ખાલી છે, હવે ભરવું નથી,
જીવવા માટે કશું કરવું નથી.

થાય એનાથી તો એ કરશે મદદ,
હાથ જોડી રોજ કરગરવું નથી.

ખુબ પીડા આપશે મોટું થતાં,
સ્વપ્નને એથી જ સંઘરવું નથી.

કેટલું બીતાં હશે આ આંસુઓ,
ઢાળ છે પણ આંખથી સરવું નથી !

લાગણી નામે નદી છે સાંકડી,
ડૂબવું છે આપણે, તરવું નથી.

જિંદગીથી ખાસ કૈં ઉમ્મીદ ક્યાં,
તોય જલદી કોઈને મરવું નથી.

શ્વાસ છે પીળા થયેલા પાંદડા,
પાનખરમાં જેમને ખરવું નથી.

ચાલવું ‘ચાતક’ સમયની માંગ છે,
માંહ્યલાએ થાન પરહરવું નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments