Press "Enter" to skip to content

Category: ગઝલ

બારમાં આવ્યા

(A Painting by Donald Zolan)

હતા જે આંખમાં, એ કંકુ પગલે દ્વારમાં આવ્યા !
ખુબી તો એ કે સપનામાંય એ શણગારમાં આવ્યા !

નશો કરવાની હાલતમાં હતા ક્યાં મારા ઝળઝળિયાં ?
અને એ સામે ચાલી પાંપણોના બારમાં આવ્યા !

હતા જે સાથિયા ઉમંગના બે-ચાર હૈયામાં,
એ રઘવાયા બનેલા શ્વાસના સત્કારમાં આવ્યા !

મને જ્યાં ઊંઘ પણ થીજી ગયેલું સ્વપ્ન લાગે ત્યાં,
એ સૂક્કાં ને સળગતાં હોઠ લઈ ચિક્કારમાં આવ્યા !

અનાદિકાળથી એની તરસ પણ રાહ જોતી’તી,
એ સ્પર્શો ખુદ હથેળીની મુલાયમ કારમાં આવ્યા !

બધાયે મંત્ર-આસન-સાધના જૂઠી ઠરી પળમાં,
બધાયે ઓમકારો ત્યાં ફકત ઉંહકારમાં આવ્યા !

ગઝલ તો એક બહાનું એમને ‘ચાતક’ અડકવાનું,
ખરું પૂછો તો મારાં ટેરવાં આભારમાં આવ્યા !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

1 Comment

સમંદર યાદ આવે છે


[Painting by Donald Zolan]
*
રખડતી રેત જોઈને સમંદર યાદ આવે છે,
નદીનાં હેત જોઈને સમંદર યાદ આવે છે.

હથેળીનાં મુલાયમ શહેરમાં ભૂલો પડું ત્યારે
સમયનાં પ્રેત જોઈને સમંદર યાદ આવે છે.

હવાના દીર્ઘ આલિંગન પછી થથરેલ ફુલોમાં,
પ્રણય સંકેત જોઈને સમંદર યાદ આવે છે.

મીંચાતી આંખ, ભીના હોઠ, બળતાં શ્વાસના જંગલ,
લિબાસો શ્વેત જોઈને સમંદર યાદ આવે છે.

સુશીતલ ચાંદનીમાં ભડભડે હૈયે અગન ‘ચાતક’,
ક્ષણો અનપેત જોઈને સમંદર યાદ આવે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments

દિલાસો થઈ શકે


[Photo by Donald Zolan]
*
ઈંટ-રેતીમાં બબાલો થઈ શકે,
ભીંતમાં એથી તિરાડો થઈ શકે.

પ્રેમ ને આબોહવામાં સામ્યતા,
બેયમાં જળથી મૂંઝારો થઈ શકે.

જો ઉદાસી છત ઉપર ટહુકા કરે,
બંધ બારીથી સવાલો થઈ શકે.

એ અખતરાથી થશે સાબિત કે,
પ્રેમ ઈર્ષ્યાથી સવાયો થઈ શકે.

રાતદિ પડછાયા જેવો લાગતો,
દોસ્ત પીડાથી પરાયો થઈ શકે.

સાંજ કેવળ એક ઘર આ વિશ્વમાં
સૂર્યથી જ્યાં રાતવાસો થઈ શકે.

હું લખું છું એટલે ‘ચાતક’ ગઝલ,
કોઈને માટે દિલાસો થઈ શકે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

સ્હેલી છે?

[Above: Painting by Donald Zolan]
*
પકડાવાના ડરની વચ્ચે પર્ચી કરવી સ્હેલી છે?
આંખોમાંથી સપનાંની તફડંચી કરવી સ્હેલી છે?

ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો અમને,
ઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવી સ્હેલી છે?

મુશ્કેલી સામે છપ્પનની છાતી કરતા માણસને
પૂછો, સિંહોના ટોળામાં ચીંચી કરવી સ્હેલી છે?

ફૂંક લગાવી મીણબત્તીને હોલવનારા શું જાણે,
સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે?

જીવનનો મતલબ છે ‘ચાતક’ શ્વાસે શ્વાસે પાણીપત,
રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

પર્ચી – પરીક્ષામાં વિદ્યાર્થી દ્વારા લઈ જવાતી કાપલી કે ચબરખી

4 Comments

લાગણીના કાન


[Painting by Donald Zolan]

અલવિદા ૨૦૧૮. સૌ વાચકમિત્રોને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ.

*
લાગણીના કાન કાચા હોય છે,
આંખના અખબાર સાચા હોય છે.

પ્રેમમાં શબ્દો જરૂરી તો નથી,
મૌન પણ ક્યારેક વાચા હોય છે.

જન્મથી મૃત્યુને જોડે જિંદગી,
સીધ રેખામાંય ખાંચા હોય છે.

કાળથી જીતી ગયેલા સ્તંભના,
લોહથી મજબૂત ઢાંચા હોય છે.

જૂજ વ્યક્તિઓને શોભે મુખકમળ,
બાકીના લોકોને ડાચા હોય છે.

સુખ ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવું બધે,
દુઃખ ‘ચાતક’ હાવ હાચા હોય છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

તો મળ મને


[Painting by Amita Bhakta]

રોમરોમે આગ છે? તો મળ મને,
ભીતરે વૈરાગ છે? તો મળ મને.

કાનમાં કેવળ કથાની કામના,
મન ભુસૂંડી કાગ છે? તો મળ મને.

છે વિચારો શાંત મનની દેરીએ ?
ક્યાંય ભાગમભાગ છે? તો મળ મને.

એકતારો શ્વાસનો ‘તુંહી’ ‘તુંહી’,
બંધ બીજા રાગ છે? તો મળ મને.

તનબદનમાં ગેરુઆની ઝંખના,
કંચુકીનો ત્યાગ છે? તો મળ મને.

શ્રીવિરહના અશ્રુઓ ‘ચાતક’ ગુલાલ,
બારમાસી ફાગ છે? તો મળ મને.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments