Press "Enter" to skip to content

Category: રાસબિહારી દેસાઈ

માડી તારું કંકુ ખર્યું

અવિનાશભાઈની અમર કૃતિ. ગુજરાતી સંગીતની વાત થાય તો તેમાં અવિનાશભાઈનું નામ ટોચ પર આવે. અને એમાંય અવિનાશભાઈના સૌથી સુંદર ગીતોની યાદી બનાવીએ તો બેશક આ ગીત ટોપ ટેનમાં આવે. અત્યંત હૃદયસ્પર્શી ભાવો અને એને એટલી જ કમનીયતાથી દિગ્ગજ ગુજરાતી ગાયક રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈએ કંઠ આપ્યો છે. સાથે સાથે આશા ભોંસલેના સ્વરમાં પણ વારંવાર સાંભળતા ન ધરાવાય એવું આ ગીત મા જગદંબાના પવિત્ર પર્વદિવસોમાં આજે સાંભળીએ.
નોંધ – ગીતના શબ્દો બંને સ્વરમાં થોડા અલગ છે.
સ્વર – રાસબિહારી દેસાઈ

*
સ્વર – આશા ભોંસલે

*

*
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ

માવડીની કોટમાં તારાના મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો … માડી તારું કંકુ

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ

– અવિનાશ વ્યાસ

15 Comments