Press "Enter" to skip to content

Category: અન્ય ગાયકો

મેરી ક્રિસમસ

સપ્ટેમ્બર 10, 1945ને દિવસે જન્મનાર પોર્ટોરિકન ગાયક અને ગિટારીસ્ટ હોઝે ફેલિસીયાનો (Jose Feliciano) જન્મજાત અંધ હતો. પરંતુ પોતાની અંધતાને એણે પોતાના અમર સર્જનો દ્વારા પાછળ મૂકી દીધી. એના અનેક યાદગાર ગીતોમાં આ ક્રિસમસ ગીતનો સમાવેશ થાય છે. હિંદુઓની બહુમતીવાળા આપણા દેશમાં ક્રિસમસ ભલે ખ્રિસ્તીઓનો તહેવાર ગણાતો હશે પણ પશ્ચિમના મોહપાશમાં જકડાયેલ સૌને હવે એ પોતાનો લાગવા માંડ્યો છે. તો આજે અમેરિકામાં ઘરેઘરે વાગતા આ સુંદર અને સરળ ગીતને સાંભળીએ. અત્યાર સુધી માત્ર ગુજરાતી ગીતો જ રજૂ કરવા એવો વણલખ્યો નિયમ તોડી આજે આ સ્પેનિશ અને અંગ્રેજી મિશ્ર ઓરજીનલ ગીત રજૂ કરીએ છીએ. તો વાચકો, ક્ષમા કરશોને ?

Feliz Navidad
Feliz Navidad
Prospero Ano y Felicidad.
I wanna wish you a Merry Christmas
I wanna wish you a Merry Christmas
I wanna wish you a Merry Christmas
From the bottom of my heart.
[audio:/f/feliz-navidad.mp3|titles=Feliz Navidad|artists=Jose Feliciano]

– Jose Feliciano

1 Comment

ઢિંગલી મેં તો બનાવી


સૌના બાળપણની સખી એટલે ઢિંગલી. બાળકો પોતાની પ્યારી ઢિંગલી સાથે ન જાણે કેટકેટલી અને કેવી મજાની વાતો કરતા હશે. એમને માટે તો એમની ઢિંગલી એટલે એમનું આખુંય વિશ્વ. બાળકોના એ અનેરા ભાવજગતની ઝાંખી કરાવતું આ સુંદર બાળગીત આજે સાંભળીએ અને આપણા બચપણના સોનેરી દિવસોને યાદ કરીએ.
*

*
ઢિંગલી મેં તો બનાવી મઝાની
તૈયાર એને હવે કરવાની.

એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં
દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,
લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો … ઢિંગલી

એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં
સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો
મોતીની માળા ને બંગડી ઘડી દો … ઢિંગલી

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં
મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,
લાલ મખમલની મોજડી સીવી દો … ઢિંગલી

એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં
મમ્મી મમ્મી પાવડર લગાવી દો,
આંખે આજણ ગાલે લાલી લગાવી દો … ઢિંગલી

એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં
માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,
મોગરા ગુલાબનો ગજરો બનાવી દો … ઢિંગલી

એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં
બેન ઓ બેન લખતાં શીખવાડી દો,
એક બે ત્રણ ચાર ગણતાં શીખવાડી દો … ઢિંગલી

ઢિંગલી મેં તો બનાવી મઝાની
તૈયાર એને હવે કરવાની.

2 Comments

તમારા અહીં આજ પગલાં થવાનાં


આજે ગનીચાચાની એક સદાબહાર રચના બે સ્વરોમાં.
*
સ્વર – મનહર ઉધાસ

*
સ્વર- હેમંત કુમાર

*
તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર – ડંખથી બેફિકર થઈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી- કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે; વિધાતાથી કોઇ કસર થઈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે.

– ગની દહીંવાલા

5 Comments

કમાલ કરે છે


પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ કોઈ ઉંમરનો મોહતાજ નથી. પ્રેમ કરવો એ યુવાનો અને યુવાનીનો ઈજારો નથી. વાળ સફેદ થયા પછી પાંગરતા મધુર પ્રેમની સોનેરી ઝલક સુરેશ દલાલની આ કૃતિમાંથી મળે છે. કદાચ જેટલો પ્રેમ લાલ ગુલાબ, ચોકલેટ કે પ્રેમપત્રોની પરિભાષામાં નહિ છલકતો હોય તેટલો વૃદ્ધાવસ્થામાં એકમેકને ગરમાગરમ નાસ્તો, મસાલા ચા કે પછી યાદ કરી-કરાવીને દવાની ગોળીઓ આપવામાં ઉભરતો હશે. પ્રૌઢાવસ્થાના પ્રેમની આ સુંદર ભાવોભિવ્યક્તિને માણો બે અલગ સ્વરોમાં
*
સ્વર – નીરજ પાઠક, આલ્બમ: હસ્તાક્ષર; સંગીત: શ્યામલ-સૌમિલ

*
સ્વર- બાલી બ્રહ્મભટ્ટ

*
કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે? … કમાલ કરે છે

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે. … કમાલ કરે છે

પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું
તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસે છે છાપાંના છાપરે
ને ડોશીને હોય છે રસોડાંનો સાથ
આઠ દસ દિવસ પણ છુટ્ટાં પડે તો
બંને જણ ફોન પર બરાડ કરે છે… કમાલ કરે છે

કાનમાં આપે છે એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલ-ધમાલ કરે છે… કમાલ કરે છે

ડોસી તો સાંજે મંદિરમાં જાય અને
ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે છે જુદાં પણ
અંતે તો એક છે સવારમાં
ડોસો ને ડોસી જાગીને જુએ
તો પ્હાડ જેવા કાળને કંગાલ કરે છે … કમાલ કરે છે

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે … કમાલ કરે છે

-સુરેશ દલાલ

10 Comments

જળકમળ છાંડી જાને બાળા


ભગવાન કૃષ્ણની બાળલીલાઓમાં કાલિયનાગ-મર્દન ખૂબ પ્રસિદ્ધ છે. યમુનાના પાણીને પોતાના એકાધિકારથી અન્ય મનુષ્યો, પશુઓ અને પક્ષીઓથી વંચિત રાખનાર કાલિયનાગના ત્રાસથી મુક્ત કરાવવા ભગવાન કૃષ્ણે આ લીલા કરી હતી. કાલિયનાગ સાથે દુશ્મનાવટ વહોરી સંઘર્ષ માટે તૈયાર થયેલ બાળકૃષ્ણને નાગણો પાછો જવા સમજાવે છે, બદલામાં પોતાનો નવલખો હાર આપવાની લાલચ આપે છે. પરંતુ ભક્તોની રક્ષા અને દુષ્ટોના વિનાશનું ધર્મકાર્ય કરતાં ભગવાનને રોકી શકતી નથી. ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ પામનાર નરસિંહ મહેતાની એક અમર કૃતિ સાંભળો બે સ્વરોમાં. કાલિયનાગ મર્દન વિશે વધુ અહીં.
*

*

*
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … જળકમળ

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીયો,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … જળકમળ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …જળકમળ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … જળકમળ

– નરસિંહ મહેતા

9 Comments

બંધ બારણે ટકોરા


શાસ્ત્રોના વચનો અને સંતોની અનુભવવાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જો સાધક ખરા હૃદયથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર પ્રગટ થાય. પણ મારી-તમારી સાથે ખરેખર આવું બની શકે ? અને કદાચ એમ બને તો કેવું ભાવજગત સર્જાય … શું માગવાની ઈચ્છા થાય તેનો આસ્વાદ આ ભજનમાંથી મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત પૂ. શ્રી મોટાના મૌનમંદિરના નિવાસ દરમ્યાન એકાંતિક પળોમાં મા સર્વેશ્વરી દ્વારા રચાયેલ આ પદને માણો પુષ્પા છાયાના સ્વરમાં.
*
સ્વર- પુષ્પા છાયા, સંગીત: ઉપેન્દ્ર ત્રિવેદી

*
બંધ બારણે ટકોરા મારે તો
શ્યામ તને સાચો ગણું …

બારણાં ઉઘાડી આવે જો અંદર
બેસે જો મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું

રાહ જોઇને થાકી નથી હું
આવજે જરૂરથી આજે…તો શ્યામ તને સાચો ગણું

પોકાર મારો સાંભળીને સાચે
દોડી આવે મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું

માવડી બનીને હીંચકે બેસે
ખોળે મુકાવે માથું….તો શ્યામ તને સાચો ગણું

પાપી જીવને પાવન કરવા
માનવ રૂપે પધારે…તો શ્યામ તને સાચો ગણું

ધન વૈભવ કે સિદ્ધિ ના માગું
દર્શન આપે પ્રભુ તારું…તો શ્યામ તને સાચો ગણું

– મા સર્વેશ્વરી (સૌજન્ય: સ્વર્ગારોહણ)

4 Comments