Press "Enter" to skip to content

Category: અનુરાધા પૌંડવાલ

ભૂલી ગયા મને


પ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છે જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો કૈલાશ પંડીતની આ સુંદર રચનાને મનહર ઉધાસ અને અનુરાધા પૌંડ્રવાલના સ્વરમાં. [આલ્બમ: આભૂષણ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

– કૈલાશ પંડીત

5 Comments

ભક્તામર સ્તોત્ર

પ્રતિ વર્ષ શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી જૈન સમુદાય પર્યુષણ પર્વ મનાવે છે. પર્યુષણ પર્વ એટલે પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ, વેરના વિરામનું પર્વ, સમત્વની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પર્વ અને તપ-દાન તથા અધ્યાત્મ સાધના વડે અંતરની અશુદ્ધિઓને દૂર કરવાનું પર્વ. પર્વની સમાપ્તિ પર જૈન ભાઈઓ એકબીજાને મિચ્છામી દુક્કડમ અર્થાત્ મારા વડે કાયા, મન અને વાણીથી જો કોઈ પ્રકારની ભૂલ થઈ હોય તો તે માટે મને ક્ષમા કરો – એવી ભાવના કરી ક્ષમાયાચના કરે છે.

[ સ્વર : અનુરાધા પૌંડવાલ, મનહર ઉધાસ ]
નોંધ બંને વારાફરતી વાગશે. જો તમારે મનહર ઉધાસનું ગાયેલ સ્તોત્ર સાંભળવું હોય તો મીડિયા પ્લેયરમાં NEXT >| પર ક્લિક કરો.

{audio} http://www.swargarohan.net/media/stotra/bhaktamar-stotra {/audio}

જૈનધર્મમાં ભક્તામર સ્તોત્ર એક શાસ્ત્ર જેટલો જ આદર ધરાવે છે. તેની રચના મુનિ માનતુંગાચાર્યજીએ કરી હતી. ભક્તામર સ્તોત્રની રચના વિશે વિવિધ મતો પ્રવર્તે છે. એક માન્યતા મુજબ રાજા ભોજના દરબારમાં જૈન વિદ્વાન કવિ ધનંજયે પોતાની વિદ્વતાથી રાજાને પ્રભાવિત કર્યા. કવિ કાલીદાસથી એ સહન ન થયું. એથી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા કાલીદાસે રાજાને બંને વચ્ચે વાદવિવાદ કરાવવા કહ્યું. જેમાં કવિ કાલીદાસની હાર થઈ. પરંતુ હાર સ્વીકારવાને બદલે એમણે કહ્યું કે હું ધનંજયના ગુરુ માનતુંગમુનિ સાથે વાદવિવાદ દ્વારા મારી વિદ્વત્તા સિદ્ધ કરીશ.

એથી રાજાએ માનતુંગમુનિને શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ મોકલ્યું. રાજાએ વારંવાર કહેણ મોકલ્યા છતાં માનતુંગમુનિ રાજદરબારમાં હાજર ન થયા ત્યારે રાજઆજ્ઞાનો અનાદર કરવા બદલ એમને બંદી બનાવી કારાગારમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં ભગવાન આદિનાથનું ચિંતન કરીને મુનિએ સ્તુતિ કરી. એના પરિણામે એમના બેડીના તાળાં તૂટી ગયા અને તેઓ મુક્તિ પામ્યા. આ પ્રસંગને પરિણામે ચોતરફ જૈન ધર્મનો જયજયકાર થઈ રહ્યો. બંધનાવસ્થામાં તેમણે કરેલી સ્તુતિ ભક્તામર શબ્દથી શરૂ થતી હોઈ એ ભક્તામર સ્તોત્રના નામે પ્રસિદ્ધ થઈ.

જે સ્તુતિના પ્રભાવે મુનિ માનતુંગની બેડીના તાળાં તૂટ્યાં તે ભક્તામર સ્તોત્ર સાંભળો મનહર ઉધાસ અને અનુરાધા પૌંડવાલના સ્વરમાં.

5 Comments

વરસાદમાં…


ગુજરાતની ધરતીને વરસાદે વ્હાલથી નવડાવી દીધી એ સાંભળીને વરસતા વરસાદમાં પલળવાના ને ફરજિયાત ન્હાવાના દિવસો યાદ આવી ગયાં. વરસાદમાં ન્હાતાં પ્રેમભીના હૈયાને કોઈકના આવવાનો ઈંતજાર હોય છે અને એ નહીં આવે એવી ખબર પડતાં .. વરસતા વરસાદે પણ દિલમાં આગ લાગી જાય. સરળ સીધા શબ્દોથી સુંદર ભાવોની અભિવ્યક્તિને સાંભળો અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસના કંઠે. [આલ્બમ : આભૂષણ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એ નહીં આવે કદી વરસાદમાં
આગ લાગી ગઈ સખી વરસાદમાં.

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં.

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.

છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’
શાયરી દુલ્હન બની વરસાદમાં.

– અદી મિરઝા

( * તગઝ્ઝુલ – ગઝલનો રંગ )

4 Comments

એવો કોઈ દિલદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

[ સ્વર : અનુરાધા પૌંડવાલ; આલ્બમ : આભુષણ ]

[ મરીઝની લખેલ એક સુંદર ગઝલ આજે રજૂ કરું છું. સંબંધોમાં એવી ક્ષણો અનેક આવે છે જ્યારે વ્યક્તિને હૂંફ, હમદર્દી અને સહારાની જરૂર પડે છે. એ સમયે દિલદાર હમદર્દ બની પડખે ઉભો રહે અને ખભો ધરે છે પણ એમાં અહેસાન કર્યાની બૂ આવે, એ મદદ લેનારને લાચારીનો અહેસાસ કરાવે, તે મરીઝને ખૂંચે છે. અપેક્ષાના ધરતીથી ઉપર સંબંધોના મોકળા ગગનમાં વિહરવા કવિ ઈચ્છે છે. ‘એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે’ … મારી મનગમતી પંક્તિઓ છે. ]

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

– મરીઝ

5 Comments