Press "Enter" to skip to content

Category: ચાતક

ચાતક, દક્ષેશ કોન્ટ્રાકટર, સ્વરચિત કૃતિઓ

ચોકલેટ

પ્રેમની અભિવ્યક્તિ માટે પુષ્પ મોહક જોઈએ
કે પછી અદભુત અનોખો પ્રેમપત્ર જોઈએ
ચાલતું આવ્યું ભલેને આ બધું સદીઓ થકી
આજ છે વહેવાર, માટે એક ચોકલેટ જોઈએ.
*
લેટ હો તો મેટ (mate) ને પળમાં મનાવે ચોકલેટ
મુખમાં મૂકો ને હૃદયને ભાવી જાયે ચોકલેટ
છો ઉછીની વસ્તુમાં કૈં સ્વાદ ના લાગે કદી
પણ બધા સિધ્ધાંતને પીગળાવી જાયે ચોકલેટ.
*
બોર શબરીના બની રામે ગ્રહી તે ચોકલેટ
ને વિદુરને ઘેર જે ભાજી બની એ ચોકલેટ
લોક એને છો કહે તાંબુલ સુદામા મિત્રના
પણ શ્રી કૃષ્ણે પ્રેમથી હૃદયે ધરી એ ચોકલેટ
*
જિંદગીભરની મધુરી સ્મૃતિઓ એ ચોકલેટ
ને સતત અધુરી જ લાગી એ ગઝલ તે ચોકલેટ
આમ તો એવું જરૂરી કૈં નથી આ પ્રેમમાં
પણ અભિવ્યક્તિ થઈ તો સહજ આવી ચોકલેટ

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

ક્યાં ગયા ?


આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આજે જનમાષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ગીતામાં ભગવાને કહ્યું એ પ્રમાણે જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય અને અધર્મનો વ્યાપ વધી જાય ત્યારે પોતે ધર્મની સ્થાપના અને સજ્જનોના પરિત્રાણ માટે જન્મ લેશે. પણ આજે જગતમાં દુઃખ, દર્દ, પીડા ને પરિતાપો વધી રહ્યા છે ત્યારે મંદિરમાં મૌન થઈ મોહક સ્મિત કરતા ભગવાનને સહજ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે ક્યાં ગયા ?
*

*
શબ્દના સંસ્પર્શથી ઝંકૃત કર્યા પ્રેમી હૃદય,
મૌન શાને અસ્ખલિત આનંદ દેનારા ?
શબ્દથી સંમોહિની સૌનેય કરનારા ને
ને શબ્દની સંજીવની સૌનેય ધરનારા.

સાંભળેલું જ્ઞાન દેતા કૈંક આદિ ગ્રંથનું,
ક્યાં ગયા ઓ ગ્રંથને પણ જ્ઞાન દેનારા ?

મૂર્તિઓ પાષાણ દઈ ગઈ ઈશ્વરીય ઝાંખી,
ક્યાં ગયા ઓ ઈશ્વરોને ઝાંખી દેનારા ?

સ્પર્શ પામી લોહ જેના સ્વર્ણમાં પલટાય છે,
ક્યાં ગયા પારસમણિને જન્મ દેનારા ?

ઝળહળાં રોશન કરી મૂકે જગત અંધાર જે,
ક્યાં ગયા ઉદગમ પ્રકાશોનેય ધરનારા ?

પ્રાણહીન કંગાલ ભારત દુઃશાસનોના હાથમાં,
ક્યાં ગયા ઓ દ્રૌપદીના ચિર પૂરનારા ?

છે છલોછલ વેદના વિરહી જીગરના બાગમાં,
ક્યાં ગયા ઓ પ્રેમનું અમૃત પીરસનારા ?

 – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

પણ ક્યાં સુધી ?

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. જીવનમાં બધી વસ્તુઓ, વ્યક્તિઓ અને સંજોગો આપણા મન મુજબ નથી મળતા. એ માટે પરિશ્રમ અને સંઘર્ષ તથા ભાગ્ય જોઈએ. વ્યક્તિ જ્યારે સંઘર્ષથી થાકી જાય અને એને ઈપ્સિત ન મળે ત્યારે એના મનમાં જે ભાવો ઉઠે તેનું ચિત્રણ આ રચનામાં ઝીલાયું છે. કદાચ ઘણાંને આ વાંચીને થશે કે આવા દિવસો અમે પણ જોયા છે !

સમયનો તકાદો છે ઈન્તજારનો
હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?

મંઝિલ નથી દૂર, મજલ છે લાંબી,
હું ચાલતો તો રહું, પણ ક્યાં સુધી ?

શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?

દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?

સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?

ધીરજની કસોટીની હદ હોય, ઓ ઈશ્વર !
તને પોકારતો રહું, પણ ક્યાં સુધી ?

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

મુલાકાત


કેટલીક પળો જીવનની યાદગાર પળો હોય છે. એ જીવનને નવો વળાંક આપે છે, પરિવર્તનની દિશા ચીંધે છે. કેટલીક મુલાકાતો પણ એવી જ ચિરસ્મરણીય હોય છે, એને વારંવાર મમળાવવી ગમે છે, એની સ્મૃતિ જીવવાનું બળ પૂરું પાડે છે. વિખૂટાં પડવું અને મળવું જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી વિરહની પીડા અને ભાવિ મિલનની કલ્પના – બંનેથી આંખ ભીંજાય છે, એ અંતિમ પંક્તિમાં વ્યક્ત થયું છે.
*

*
તમારા સ્મરણની બે પળ જ વીતી,
ત્યાં સમય તો કહે અર્ધી રાત ગઈ !

પ્રવાહોથી દૂર, સમયના કિનારે,
અવિનાશી એવી મુલાકાત થઈ.

ઘણાં શ્વાસ લીધા વિરહમાં તમારા,
મઝા માણી મિલનની એકશ્વાસ થઈ.

તમારા જ સ્પર્શે આ વેરાન રણમાં,
ઝરણાંના વહેવાની શરૂઆત થઈ.

વિદાયની વેળાએ સંભાળ્યા છતાં,
પલકને કિનારે ભીની આંખ થઈ.

કોને કહું કે વિરહની સાથે,
મિલનની નજીક એક પળ તો ગઈ !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments