Press "Enter" to skip to content

Category: સંકલન

ઉત્તરાયણ – અગાશીનું આમંત્રણ


આજે ઉત્તરાયણ. બધા ગુજરાતીઓ, ખાસ કરીને સુરતીઓ માટે મોટામાં મોટો ઉત્સવ. આપણે ત્યાં જે ભાતભાતના ઉત્સવો ઉજવાય છે તેમાં ઉત્તરાયણ બધા કરતાં અલગ તરી આવે છે. કારણ આજે લોકો સામાન્ય રીતે આગળ-પાછળ કે આજુબાજુ જોવાને બદલે ઉર્ધ્વગામી જોતાં થાય છે. વરસના ત્રણસો ચોસઠ દિવસ આકાશ તરફ નજર ન કરનાર માનવ પણ આજે અચૂક આકાશમાં પતંગોની સ્પર્ધાને રસથી નિહાળે છે. આબાલવૃદ્ધ સૌકોઈને રંગે રંગી દેનાર આ તહેવાર વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ ધરાવે છે કારણ આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે. એને કારણે પવનની દિશામાં પરિવર્તન આવે છે. શિયાળાની કાતિલ ઠંડી આજથી ઘટવાની શરૂઆત થાય છે.
અમેરિકાના ઘરોમાં ન તો ધાબાં હોય, ન લોકોને પતંગ ચગાવવાની ફુરસદ હોય કે ન તો સડસડાટ પતંગો ચગાવી શકાય એવું વેધર હોય તો પછી સુંદર અને સ્વચ્છ દેખાતા આકાશમાં રંગીન પતંગો ક્યાંથી આવવાની ?  એટલે આજે ભાઈએ ઉત્તરાયણ ઉજવવા માટે ખાસ આમંત્રણ મોકલ્યું ….

આમંત્રણ

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
હાલ ખંભાત નિવાસી
શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિ. પતંગના શુભલગ્ન
હાલ સુરત નિવાસી
શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
ચિ. દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2009 ના રોજ ઘરની અગાશી પર નિર્ધાર્યા છે.
તો, આ શુભ પ્રસંગે નવદંપતિને નવા જીવનમાં સ્થિર કરવા 
સગાસંબંધીઓ સહિત પધારી ઘોંઘાટમાં અભિવૃદ્ધિ કરશોજી.

તા. ક. – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે !

તો કહો હવે કોને અગાશીમાં જવાનું મન ન થાય ?
Happy Uttarayan to all our readers !

1 Comment

સ્વ. રાવજી પટેલ

[ આજે પંદરમી નવેમ્બર, સ્વ. રાવજી પટેલનો જન્મદિવસ. ગુજરાતી સાહિત્યને ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી અમર કૃતિ આપી જનાર ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર ૨૮ વર્ષ ૯ માસની વયે નિઃશબ્દ થયો. તો આજે રાવજી પટેલના જીવન અને કવન વિશે જાણીએ. આ લેખ મોકલવા બદલ શ્રી રઘુભાઈનો હૃદયપૂર્વક આભાર.]


ડાકોરથી એક કાચી સડક જાય છે વલ્લવપુરા. એ નાનું સરખું ગામ એટલે રાવજી પટેલનું વતન. રાવજી એટલે વેદનાને હૈયામાં દાટીને જીવતો માણસ. ક્ષયથી પીડાતું શરીર, ધરીને બેસી ગયેલી ગરીબી, દાંપત્યમાં ઓછો મનમેળ. વ્યર્થ નીવડેલા સંબંધોના ત્રાસદાયક જીવનથી રાવજી કંટાળી ગયેલો. એ કહેતો, ‘મને સ્થિતિ ખોદે છે’ અને ‘એક નહીં પણ એકસામટા હજારો શાપ મળ્યા’. આદિએ ખડા કરેલા બળબળતા રણમાં રાવજી નામના માણસને કવિતા જ વીરડો થઈ શકે અને કવિતાને કારણે નિસાસા આસોપાલવ થાય. રણમાં છાંયો થાય, સૂની આંખોમાં માળા બંધાય. અને એથી જ એ કવિતા લખતો રહ્યો …

હું તો માત્ર કવિ
હું તો માત્ર ઓરડામાં સબડતું આદિ મમી
હું તો માત્ર ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ…
હું તો માત્ર ખાલીખમ નિઃસહાય …

પછી તો કુમાર, સંસ્કૃતિ, કવિલોક વગેરેમાં રાવજી શબ્દથી દેખાવા લાગ્યો, વેદનાથી ઓળખાવા લાગ્યો. અને એવામાં જ પોતાનાથી છુપાવી રહ્યો હતો એ તબિયતની વાત જાહેર થઈ ગઈ. પહેલા મળ્યા એ ડૉક્ટરે તપાસ કરીને સહેજે સંકોચ વિના કહી દીધું, છ માસ જીવશો. રાવજીથી એ માની શકાય એમ ન હતું. હજુ તો કેટલાંય સ્વપ્ન જીવતાં કરવાનાં હતાં. એ પહેલાં કેવી રીતે મરાય ? એટલે થોડું જીવી લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. બહાર આવી ‘અશ્રુધર’ લખી. સારો આવકાર મળ્યો. પછી લખી ‘ઝંઝા’. વિવેચકોએ રાવજીમાં પન્નાલાલને જોયો. ક્ષયથી માંડીને શબ્દોની અભિવ્યક્તિમાં રાવજી અને પન્નાલાલ એક ચાસમાં ચાલ્યા છે. બંનેએ પોતાની રચનાઓમાં ગામડાંઓને જીવતાં રાખ્યાં છે.

રાવજીની રચનાઓમાં ક્યારેક તેનું ક્ષયથી આવેલું રુગ્ણ, કૃષિપણું અને મૃત્યુ અંગેનું સતત સભાનપણું એકસાથે વર્તાઈ જતું જોવા મળે છે. તેમ છતાં વાચકને સ્પર્શ કર્યા વિના રાવજી ક્યારેય સરકી ગયો નથી. ‘મને સ્થિતિ ખોદે છે’ ત્યારે કેવળ રાવજી જ ખોદાતો નથી, રાવજીએ શબ્દ દ્વારા ઊભી કરેલી સ્થિતિ આપણનેય ખોદે છે.

દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી,
મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી …

પણ રાવજી ઓળખાયો ત્યારે અદ્યતન કવિતાનો બીજો તબક્કો આરંભાઈ રહ્યો હતો. રાવજીએ તેમાં પોતાનો ચીલો પાડ્યો. પોતાના અંગતપણાના ચાસ પાડ્યા અને અંકુર ફૂટ્યાં. શબ્દને સ્પર્શમાત્રથી બેઠારી દેવાની રાવજીમાં ગજબની શક્તિ હતી. શબ્દ દ્વારા રાવજી વ્યક્ત થવા માંડે ત્યારે એક પ્રકારની જબરદસ્ત બેપરવાહી તેમાં વહેતી જોવા મળે છે. એને ઘાસ અને ધરતીની માયા હતી. એકાંત એને કઠતું હતું. ગીધ જેવા મૃત્યુના ઓછાયામાંથી બહાર ધસી આવવા એ મથતો હતો …

વાગે વહાણટાની વાતો, ખરતું પાન આંખનું વાગે
વાગે કન્યાની પીઠનો પીળો પડછાયો
હરતો ફરતો હજી અમે ના દીઠો આંબો …

થોડાં પાન લખ્યાં હશે ત્યાં એક સાંજે તેના ગળફામાંથી લોહી પડ્યું. ફરી થોડું જીવી લેવા અમરગઢના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. ત્યાં ક્ષયની સાથે માનસિક અસ્થિરતા ઉમેરાઈ, કપડાં વિના વોર્ડમાં દોડતો, પાણી આપનાર પર કોગળા કરી થૂંકતો, આખી રાત જાગી મોત વિશે લખ્યો કરતો …. “મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે. બળી ગયા પછી તો જગત સાથેના બધા સંબંધ કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા..”

અડધા ગાંડા જેવા રાવજીને વલ્લવપુરા લાવ્યા. ત્યાં ડાયાબીટીસ અને પુરેમિયાનો હુમલો થયો. પાંચ દિવસ બેભાન રહ્યો અને એક સવારે ….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

સજીવી હળવાશ એને વાગી ગઈ. જીવનની ઉષામાં સૂરજ આથમી ગયો. ‘વૃત્તિ’ ને અધૂરી રાખી રાવજી ધરતીમાં ભળી ગયો. લાભશંકર ઠાકરે લખ્યું, એ ઘણા સમયથી મૃત્યુ પામ્યો હતો. અને મૃત્યુની સોડમાં બેસીને કાવ્યો અને વાર્તાઓ લખતો હતો. એનું મૃત્યુ એ આશ્ચર્યની બાબત નથી, એ છૂટ્યો એનું આશ્વાસન પણ નથી. પરિસ્થિતિએ એને જીવનના છેક તળિયે મૂકી દીધો હતો અને ગૂંગળાતો એ લખતો હતો …

મારા ખેતરને શેઢેથી લ્યો ઉડી ગઈ સારસી
મા, ઢોચકીમાં છાસ પાછી રેડી દે
રોટલાને બાંધી દે,
આ ચલમની તમાકુમાં કસ નથી,
ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે પડી રહેવા દે ..

હજી પણ રાવજી પડ્યો છે એ મહુડીની તળે, એના વલ્લવપુરાના ખેતરમાં એકલો અટૂલો વેદનાને હૈયામાં ધરબીને કવિતા ગાતો.

અમે રે અધવચ રણનાં વીરડાં
થોડાં ખારાં રે છઈએ, ખાટાં રે છઈએ,
પગલું પડે ને વ્હેતાં રે થઈએ… અમે રે અધવચ રણનાં વીરડાં

– શ્રી રઘુભાઈ જોશી (ડાકોર, હાલ વિદ્યાનગર)

9 Comments

આદિલ મન્સૂરી


લગભગ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને પોતાની ગઝલો, નાટકો અને અછાંદસ કાવ્યો દ્વારા નવી રોશની પ્રદાન કરનાર આદિલ મન્સૂરી સાહેબનું 72 વર્ષની વયે ગઈકાલે ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’, ‘પેન્સીલની કબરમાં’ જેવા ગ્રંથોના સર્જક આદિલભાઈ એક સુંદર કેલિયાગ્રાફર પણ હતા તે બહુ ઓછાને ખબર હશે. અમદાવાદને ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ કહી સલામ કરી ન્યૂજર્સી સ્થાયી થનાર આદિલભાઈ પોતાની પાછળ પત્ની, પુત્રો અને પૌત્રોની સ્થૂળ યાદો ઉપરાંત ગુજરાતી સાહિત્યની ક્ષિતિજ પર પોતાની ઝળહળતી રચનાઓ મૂકી ગયા છે. આજે એમની કૃતિઓ વડે એમને શબ્દોની શ્રદ્ધાંજલિ અર્પીએ. આદિલ મન્સૂરી વિશે વધુ માહિતી માટે અહીં જુઓ.

દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયાં,
ઝાકળ ઉડી ગયું અને ડાઘાં રહી ગયાં.
*
સમય સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
*
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
*
હું ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ખ્વાબમાંયે કદી આદિલને દર્શન દઈને
એની ગઝલોના બધા શેર મઠારી આપો.
*
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
*
સામાં મળે તો કેમ છો યે પૂછતાં નથી,
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યાં કરે.
*
જ્યારે મોસમ ખૂબ ટફ થઈ જાય છે,
ત્યારે આંસુનું ટીપું બરફ થઈ જાય છે.
*
 ઉંઘવાનું કબરમાં છે આદિલ,
જિંદગીભર તો જાગરણ ચાલે.

4 Comments

વીણેલાં મોતી – 2


આપણા દરેકમાં આપણા માતાપિતા સૂક્ષ્મ રૂપે જીવતા હોય છે. એમના તરફથી આપણને ન માત્ર રૂપ અને આકાર મળે છે પરંતુ સંસ્કાર, શોખ અને જ્ઞાનનો ખજાનો પણ જાણ્યે-અજાણ્યે મળે છે. આ વેબસાઈટ શરૂ થઈ તો પપ્પાએ એમની 1950-1975 સુધી લખેલી ડાયરીઓ કાઢી અને એમાંના કેટલાક ચૂંટેલા શેર અને મુક્તકો મોકલાવ્યા. આજે એ અહીં રજૂ કર્યા છે. મારા સાહિત્ય-રસના મૂળિયાં કેટલા ઊંડા છે તે જોવા પપ્પાનો આ ખજાનો વાંચવો જ રહ્યો. થેંક યુ પપ્પા … કહેવાની જરૂર છે ?

મને આશા નિરાશાઓ, સદા ઝૂલા ઝૂલાવે છે,
જીવન લાગે મરણ જેવું, મરણ લાગે જીવન જેવું.
*
કિનારે ના મઝા આવી, મઝા આવી ન મઝધારે,
મઝા તો ક્યાં અને ક્યારે પછીથી આવવાની છે?
*
બિછાનું છે ધરા કેરું, સુવાની શી મને ચિંતા,
અને વળી ઓઢવાની છે, મઝાની આભની ચાદર !
*
નજરથી દૂર સંતાવું ને લેવી ઓથ પરદાની
તમારા રૂપને પણ તેજોવધની બીક લાગે છે ?
*
રૂપની ભિક્ષા લેવા, અંતર તારું દ્વાર જ શોધે છે,
એક જ ઘરની ટહેલ કરે તે અભ્યાગતને શું કહેવું?
*
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં, ફૂલોની સેજ માની.
*
અરે! ના છેડશો, ના છેડશો મુજ દિલ-સિતારીને,
હવે તો ફક્ત એમાં વેદનાના સૂર બાકી છે,
વ્યથા, આહો, નિસાસા, દર્દ, દાગો, કારમું ક્રંદન,
હૃદયની ઝૂંપડીમાં કેટલાં મહેમાન બાકી છે !
*
સ્વમાની કવિ કોઈ જગના ચરણમાં, ઉમંગી ઝરણ કોઈ વેરાન રણમાં
વસંતોનો માલિક છે કોઈ અનાડી, પરેશાન ઇન્સાન જોયા કરે છે !
ચમનમાં રહો પણ ફૂલોને ન અડકો, ઝબોળી દો જળમાં જુવાનીનો ભડકો,
પડે છે મુહોબ્બતના પગ પર કુહાડો, પરેશાન ઈન્સાન જોયા કરે છે!
*
શમાને જુલ્મથી નવરાશ ક્યાં કે એટલું સમજે !
કે પાંખો મૃત પતંગાની જ મળવાની કફન માટે,
ફનાની ભાવના સાથે પતન પણ એક સિદ્ધિ છે
પડે ઝાકળ તો ગુલ, પાલવ પ્રસારે છે જતન માટે.
*
બળી મરવું પ્રણય માટે પ્રણયની એ જ શોભા છે,
પતંગાઓ ને દીપક એ ફરજમાં એક સરખા છે.
પતંગાએ તો પળભરમાં, બળી ઠારી લીધું હૈયું,
પરંતુ આ દીપિકાએ વેદના તો રાતભર વેઠી.

5 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 1

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓ એટલા ચિંતન અને તત્વજ્ઞાનથી ભરેલી હતી કે પરમહંસ યોગાનંદ જેવા મહાપુરુષે એના આધ્યાત્મિક અર્થને ઉપસાવતું પુસ્તક પણ લખ્યું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ અહીં સમયાંતરે નિયમિત રૂપે પ્રસ્તુત કરતાં રહીશું.


જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ;
ખૂબ પી, ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ, છાની પીઓ, પણ ભાનની સાથે પીઓ.
*
બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો, મેળવી પીતો રહે,
દિલના અંધારા ઉલેચી, રોશની પીતો રહે.
*
બાવરા થઇને કદી દરદર ન ભમવું જોઇએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઇએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતાં જાય પાસાં એમ રમવું જોઇએ.
*
ઉર લતા છે ઉર્વશી જેવી, કમલ જેવાં નયન,
મ્હેંકતી ઝુલ્ફો, ગુલાબી ગાલ, મુખ જાણે સુમન;
અંત જેનો ખાક છે એવા જીવનમાં ઓ ખુદા !
આ બધો શણગાર શાને ? આટલું શાને જતન ?
*
જે કલા સર્જનમાં રેડે પ્રાણ સર્જકની કમાલ,
એ શું એનો નાશ કરવાનો કદી કરશે ખયાલ ?
તો પ્રભુ ! આવી રૂપાળી વ્યક્તિઓ સંસારમાં,
કેમ સર્જીને કરે છે એ જ હાથે પાયમાલ ?

ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

નોંધ ઉમર ખૈયામની રુબાઈઓ વિશે વધુ જાણવા અહીં જુઓ.

3 Comments

દેશભક્તિના ગીતો


આજે પંદરમી ઓગષ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ. સૌ વાચકોને Happy Independence Day ! સ્વાતંત્ર્ય દિવસ મુબારક હો. આપણી પ્યારી જન્મભૂમિ બધી રીતે પ્રગતિ કરે, સુખ શાંતિ આમ આદમી સુધી પહોંચે અને ભૂખ, ભય તથા ભ્રષ્ટાચારથી મુક્ત સ્વનિર્ભર ભારતનું નિર્માણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. સ્વાભાવિક છે કે આજે દેશભક્તિના ગીતો સાંભળવા ગમે. તો લ્યો તમારે માટે દેશભક્તિના ગીતોનો ખજાનો અહીં રજૂ કરીએ છીએ.

Flash required
 1. અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં ( ફિલ્મ : હકીકત )
 2. એ મેરે પ્યારે વતન ( ફિલ્મ : કાબુલીવાલા)
 3. એ મેરે વતન કે લોગો ( લતા મંગેશકર, પ્રદીપ )
 4. એ વતન એ વતન ( ફિલ્મ : શહીદ )
 5. અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સકતે નહીં ( ફિલ્મ : લીડર )
 6. અય વતન તેરે લીયે ( ફિલ્મ : કર્મા )
 7. ભારત કા રહેનેવાલા હું ( ફિલ્મ : પૂરબ ઔર પશ્ચિમ )
 8. હમ હિંદુસ્તાની ( ફિલ્મ : હમ હિંદુસ્તાની )
 9. હમ લાયે હૈ તૂફાન સે કશ્તી ( ફિલ્મ : જાગૃતિ )
 10. ઈન્સાફ કી ડગર પે ( ફિલ્મ : ગંગા જમુના )
 11. જહાઁ ડાલ ડાલ પર સોને કી ( ફિલ્મ : સિકંદર-એ-આઝમ )
 12. મેરે દેશ કી ધરતી ( ફિલ્મ : ઉપકાર )
 13. નન્હા મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું ( ફિલ્મ : સન ઓફ ઈન્ડીયા )
 14. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ ( ફિલ્મ : જાગૃતિ )
 15. સારે જહાઁ સે અચ્છા ( ફિલ્મ : ભાઈ બહેન )
 16. તાકત વતન કી હમ સે હૈ ( ફિલ્મ : પ્રેમ પૂજારી )
 17. વતન પે જો ફિદા હોગા ( ફિલ્મ : ફુલ બને અંગારે )
 18. યહ દેશ હૈ વીર જવાનો કા ( ફિલ્મ : નયા દૌર )
30 Comments