સંભાવનાઓ હોય છે

October 15th, 2011

ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવનાઓ હોય છે,
અંતમાં ખૂટી પડેલી ધારણાઓ હોય છે.

આવનારી કાલના અંજામની કોને ખબર,
જિંદગી ખોબે ભરી સંભાવનાઓ હોય છે.

દોસ્ત, સાચો પ્રેમ કો’દી મતલબી હોતો નથી,
સો અભાવોનીય વચ્ચે ભાવનાઓ હોય છે.

શોધતાં મળતી નથી જેને ગરીબીની કબર,
જિંદગી એની અવિરત યાતનાઓ હોય છે.

ભેખ જોગીનો ધરીને ચાલવું સ્હેલું નથી,
કૈંક સૂતેલી કમંડલ, કામનાઓ હોય છે.

એક પળ દીદાર એના પામવા ‘ચાતક’ અહીં,
સેંકડો જન્મો કરેલી સાધનાઓ હોય છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

દસકંધરો મરતાં નથી

October 10th, 2011
ravana

જુલ્મ જારી છે હજી, દસકંધરો* મરતાં નથી,
લાજ લૂંટી જેમણે સીતાતણી, ડરતાં નથી.

એ સમયની છે બલિહારી કે લેતાં રામનું
નામ, જે પત્થર તર્યા’તાં, આજ એ તરતાં નથી.

સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.

ભ્રષ્ટ નેતાથી થઈ જનતા બિચારી ત્રાહિમામ્,
ચૂસતાં ધન જેમનાં ખિસ્સા કદી ભરતાં નથી.

રામરાજ્ય અહીં મળે કેવળ ચુનાવી લ્હાણમાં,
દીનદુઃખીયાનાં કલેજાં જે થકી ઠરતાં નથી.

એ જ તો કારણ નથી ‘ચાતક’ કે મંદિરની ધજા
ફરફરે, ક્યાંયે તિરંગા આજ ફરફરતાં નથી ?

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(રચના – દશેરો, ૫ ઓક્ટોબર, ૨૦૧૧)

*દસકંધર- દશાનન, લંકેશ,રાવણ

ટોળે વળે ના

October 5th, 2011
69.jpg

સૌ મિત્રોને દશેરા મુબારક હો …

નિરાધાર આંસુ નયનમાં મળે ના,
તિરાડો અમસ્તી હૃદયમાં પડે ના.

હશે કોઈ કારણ મજાનું નહીંતર
ઉદાસી સરેઆમ ટોળે વળે ના.

ગયો હાથમાંથી સરી તીર માફક,
સમય કોઈ કાળેય પાછો ફરે ના.

અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને,
જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.

હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
નયન આગમનને ભલે સાંભળે ના.

જુઓ સ્વપ્ન ‘ચાતક’ હવે બંધ આંખે
રખે કોઈ આવીને એને છળે ના.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કો’ક નડે છે બિલ્લીને

September 30th, 2011
cat

(Photo taken @ Hilo, The Big Island, Hawaii)

એક આદમી રસ્તામાં હરરોજ મળે છે બિલ્લીને,
વાત વહે છે જંગલમાં કે કો’ક નડે છે બિલ્લીને.

માર્ગ બદલવાથી થાતો ના લેશ મુસીબતથી છુટકાર,
ભયની ભૂતાવળ જીવનમાં રોજ છળે છે બિલ્લીને.

પૂર્વગ્રહોથી મોટા કોઈ ગ્રહ-નક્ષત્ર નથી, યારો,
ભીતરમાં પેઠેલા સો-સો વ્હેમ અડે છે બિલ્લીને.

જોષીની વાતોને સાચી કોઈ નહીં માને, કારણ
જોષી કે’ છે, રાહુ આવી રોજ ગળે છે બિલ્લીને !

બાળક થઈને જેની પીઠે પસવારેલા હાથ હજાર,
એ જ આદમી મોટો થઈને આજ લડે છે બિલ્લીને !

દીન બાળની કિસ્મતમાં ના છાંટો એક ભલે ‘ચાતક’,
ભાગ્ય બડા બલવાન અહીં કે દૂધ મળે છે બિલ્લીને.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

અનુભૂતિ

September 25th, 2011


(Painting: Amita Bhakta)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(તરન્નુમ – રાજુ યાત્રી)

નરી શૂન્યતામાં હું વાગી રહ્યો છું,
નિરાકાર, સાકાર, લાગી રહ્યો છું.

કદી બુદબુદા થઈ, કદી ખુદ ખુદા થઈ,
હું મંદિર મસ્જીદ તાગી રહ્યો છું.

ધ્વનિનું છું ઉદગમ, સ્વયં નાદબ્રહ્મ,
હું પડઘો બની ક્યાંક વાગી રહ્યો છું.

પ્રકાશિત સ્વયં હું ભલે દીપ માફક,
હું પડછાયો થઈ ક્યાંક ભાગી રહ્યો છું.

નથી કોઈ બંધન, નથી મોહ-મમતા,
ક્ષણેક્ષણ છતાં કૈંક ત્યાગી રહ્યો છું.

સમય છું, કરું ખુદ પ્રતીક્ષા સમયની,
હું ‘ચાતક’ બની ક્યાંક જાગી રહ્યો છું.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’