પગરવ કરી જુઓ

December 15th, 2011

નોંધ – મિત્રો, મીતિક્ષા.કોમ પર પ્રસિદ્ધ થનાર આ પ૦૦મી પોસ્ટ છે. (અને યોગાનુયોગ મારી અહીં પ્રસિદ્ધ થનાર ૧૦૦મી ગઝલ છે.) જુલાઈ ૨૦૦૮માં આ વેબસાઈટ ખુલ્લી મુકી ત્યારે આ મુકામ સુધી પહોંચાશે એવી કલ્પના ન હતી. આ બ્લોગે ન કેવળ મારા સાહિત્યરસને ઉજાગર કર્યો પરંતુ મને મારી સાથે ઓળખાણ કરાવીને મારી ભીતર વહેતા સંવેદનોને ઝીલવાની તક આપી છે. માતૃભૂમિથી હજારો માઈલ દૂર ગયા પછી માતૃભાષાનું આકર્ષણ સમજાય છે. સાડા-ત્રણ વરસની સફરમાં સાત લાખથી વધુ પાનાં અને એક લાખ ચાલીશ હજારથી વધુ મુલાકાતીઓના આંકે મારા જેવા અનેકના સાહિત્યપ્રેમને છતો કર્યો છે. એ માટે આપ સર્વે સાહિત્યરસિક મિત્રોને દિલથી સલામ. આશા છે, આપનો પ્રેમ આ રીતે મળતો રહેશે. અસ્તુ.
*****
બે-ચાર બૂંદને તમે સરવર કરી જુઓ,
ઘટના હશે તળાવ, પણ પર્વત કરી જુઓ.

દૃશ્યો ઉપર લગામ ક્યાં સંભવ છે દોસ્તો,
જાતે જ આંખને તમે કરવત કરી જુઓ.

ભૂલી શકાય ના અહીં વીતી ગયો સમય,
બે-ચાર શ્વાસની ભલે કસરત કરી જુઓ.

ગુજરી ગયેલ વૃક્ષનું તર્પણ થઈ જશે,
પંખી થઈને ડાળ પર કલરવ કરી જુઓ.

‘ચાતક’ના ઈંતજારને મંઝિલ બતાવવા,
ખામોશ આંગણે કદી પગરવ કરી જુઓ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

સીનો તંગ છે !

December 10th, 2011
પતંગ

જિંદગી, તારો અજાયબ રંગ છે,
શ્વાસ ફીક્કા તોય સીનો તંગ છે !

એ નથી સાથે તો એથી શું થયું,
એમની યાદો તો તારી સંગ છે !

એમણે ચહેરો બતાવ્યો’તો કદી,
આયનો આજેય એથી દંગ છે.

એમને અડસઠ ભલે પૂરા થયા,
એ હજી તસવીરમાં તો યંગ છે.

જે ગળે આવે ઉલટથી ગાઈ જા,
પ્રેમભીનાં ગીત સહુ અભંગ છે.

મોત અણધાર્યો વિસામો છે અહીં,
જિંદગીની જાતરા સળંગ છે.

શું કહે ‘ચાતક’ પ્રતિક્ષાની વિશે,
ના કદી જીતાય એવો જંગ છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

અકબંધ રાખી જોઈએ

December 5th, 2011
daxesh

શક્યતાનાં બારણાંઓ બંધ રાખી જોઈએ,
રિક્તતા એવી રીતે અકબંધ રાખી જોઈએ.

જાત ઝાકળની લઈને સૂર્યના ઘરમાં જવા,
ઓગળે ઝળહળ ન એ પ્રબંધ રાખી જોઈએ.

સ્વપ્ન પીડાયે નિરંતર વિસ્મૃતિના રોગથી,
આંખ મીંચી બે’ક પળ સંબંધ રાખી જોઈએ.

જિંદગી, સંવેદનાનું વસ્ત્ર સરકી જાય ના,
અશ્રુઓનો એટલે કટિબંધ રાખી જોઈએ.

માછલીને જળ વિશે કાયમ રહ્યો છે, એ રીતે
અક્ષરો સાથે ઋણાનુબંધ રાખી જોઈએ.

ક્યાં સુધી ‘ચાતક’ જીવીશું આમ પ્રત્યાઘાતમાં,
લાગણીઓ પર જરા પ્રતિબંધ રાખી જોઈએ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

માધવ મળે નહીં

November 30th, 2011

આંખોમાં ઈંતજારના કાગળ મળે નહીં,
રાધા થયા વિના અહીં માધવ મળે નહીં.

સીતાની શોધમાં ભલે ભટક્યા કરે જગત,
નિષ્ફળ રહે તલાશ જ્યાં રાઘવ મળે નહીં.

એ દ્વારિકા-અધીશ પણ કંગાળ કેટલો,
ગોપીજનોના પ્રેમનો પાલવ મળે નહીં.

હૈયાની વેદના લખે રાધા કઈ રીતે,
પ્હોંચી શકે ભવન સુધી વાદળ મળે નહીં.

કા’નાના નામથી સતત ભીંજાય આંખડી,
રોકી શકે વિષાદને સાંકળ મળે નહીં.

‘ચાતક’ કહી શકત કદી ઉત્તરમાં એમને
જોયા, પરંતુ નામમાં યાદવ મળે નહીં.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

તને જોયા પછી…

November 25th, 2011
03.jpg

તું બની જાશે કળી, તો ફૂલ મુરખ ચૂંટશે,
સર્વ જગ માળી બની તારી મધુરતા લૂંટશે.

ક્યાંક મૃગજળને હરણ થઈ દોડવા ઈચ્છા થશે,
ક્યાંક તારી પ્યાસથી આખોય સહરા ખૂટશે.

ને અમાસી રાત બનશે કો નવોઢા ચાંદ સમ,
તારલા એકાદ-બે આંસુ રૂપાળા ઘૂંટશે.

સ્વપ્નનો વિસ્તાર આંખોથી વધી આગળ જશે,
આભમાં ઊંચા મિનારા પત્થરોના તૂટશે.

એક જીવતરને સમાવી શ્વાસમાં બેઠા પછી,
એક ઈચ્છાનો સમંદર ક્યાંક ‘ચાતક’ ફૂટશે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’