Press "Enter" to skip to content

Month: February 2016

સંવેદનાની પાળ પર

અશ્રુઓ જેવી રીતે સંવેદનાની પાળ પર,
કૂંપળોની સાથ ટહુકાઓ ફૂટે છે ડાળ પર.

દોસ્ત, તેં સરનામું આપ્યું એટલે સારું થયું,
હું તો પ્હોંચી જાત નહીંતર આપણી નિશાળ પર.

રોજ વૃદ્ધોને એ મળવા જાય છે કાઢી સમય,
શી રીતે નફરત કરો એ સહૃદયી કાળ પર.

સાંજની જાહોજલાલી સૂર્યને પોસાય ના,
ક્યાં લગી ગુજરાન ચાલે રોશનીની દાળ પર.

દર્દ, આંસુ કે મુહોબ્બત, એ નભાવી લે બધું,
જિંદગી અટકી પડે છે શ્વાસના છિનાળ પર.

આંગળી પકડી ચલાવો મત્લાથી મક્તા સુધી,
પણ ગઝલ લપસી જવાની લાગણીના ઢાળ પર.

ફૂલ પર ‘ચાતક’ મૂકે કેવી રીતે એનાં ચરણ,
એટલે ચાલ્યા કરે છે એ સડક કાંટાળ પર.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

તમે કહો તો મુઠ્ઠી ખોલું


[Painting by Donald Zolan]

ઝાકળભીના કૈંક સ્મરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું,
હસ્તરેખાને બદલે રણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.

સૂરજ ડૂબવાના શમણાં લઈ રાતીચોળ થયેલી મારી
આંખોમાં થીજેલી ક્ષણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.

સેલફોનને ટાવરનું જેવી રીતે રહેતું કાયમ,
દિલમાં કોનું આકર્ષણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.

‘પ્રેમ’ કહાનીનું શીર્ષક ને અંત આપણું મધુર મિલન,
કેટકેટલા વચ્ચે ‘પણ’ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.

‘ચાતક’ની મંઝિલ, રસ્તા કે પગલાંઓ બદલાયા ના,
ચોંટી ગયલા ક્યાંક ચરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments