Press "Enter" to skip to content

Year: 2013

રહેવા દો


[Painting by Donald Zolan]

તણખા ઉપર રાખ વળી છે, રાખ વળેલી રહેવા દો,
આંખોથી સમજાવો સાજન, આજ હથેળી રહેવા દો.

સૂરજના તડકાથી સળગે આંખોમાં સપનાનાં વન,
કુંપળ જેવી કોમળ મારી સાંજ સજેલી રહેવા દો.

કીડિયારાની માફક શમણાં ઉમટે છે ત્યાં સ્થિર થવા,
શહેર તમે વિસ્તારો ચોગમ, ગામ-હવેલી રહેવા દો.

સમજણની દુનિયાથી બેશક બચપણને રળિયાત કરો,
બાળકની આંખોમાં કિન્તુ એક પહેલી રહેવા દો.

ઈચ્છાઓની વેલ વધીને ઘર-આંગણ પથરાઈ જશે,
થોડી જગ્યા મનના ખૂણે બંજર જેવી રહેવા દો.

મોત, પ્રતીક્ષા તારી કરતાં ‘ચાતક’ની આંખો થાકી,
આજ મિલનનો અવસર છે, તો આંખ મળેલી રહેવા દો.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

પલાળી જાય તો સારું

હૃદયનું દર્દ જલદી બ્હાર આવી જાય તો સારું,
ખુણેખુણા નયનનાં એ પલાળી જાય તો સારું.

ઉદાસીએ લગાવેલા છે ડેરા કૈંક વરસોથી,
કોઈ એના બધા તંબુ ઊઠાવી જાય તો સારું.

સતત ભારેલ અગ્નિના સમું વાતાવરણ મનમાં,
કોઈની યાદ માચીસ ના લગાવી જાય તો સારું.

અમરપટ્ટાની ઈચ્છાથી જીવી રહી કૈંક ઈચ્છાઓ,
મરણ કોઈ રીતે એને પટાવી જાય તો સારું.

જીવન, ‘ચાતક’ હવે લાગી રહ્યું અંતિમ ગઝલ જેવું,
રદિફ ને કાફિયા શ્વાસો નભાવી જાય તો સારું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

કવિતા સાથ છોડે છે

કલમ વેચાય છે ત્યારે કવિતા સાથ છોડે છે,
ધરી સંવેદનાનું રૂપ આંસુ આંખ છોડે છે.

હવાના કોઈ ખૂણામાં હશે નક્કી સુગંધીઓ,
જરા રોકાઈને એથી જ માણસ શ્વાસ છોડે છે.

તમારું ગામ છોડીને તમે છોને શહેર આવો,
તમોને કોઈ દિવસ ક્યાં તમારું ગામ છોડે છે.

બધાએ મોત પાસે આખરે ચાલી જવાનું પણ,
સરળતાથી જીવન ક્યાં કોઈનોયે હાથ છોડે છે.

તમન્ના હોય મંઝિલ ચૂમવાની, ચાલવા માંડો,
સમંદર પામવા માટે સરિતા ઘાટ છોડે છે.

ભૂલાઈ જાય છે ‘ચાતક’ દિવંગત આદમી પળમાં,
વતન માટે મરી મિટનાર, પણ ઇતિહાસ છોડે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments

सयाने हो गये


मीतिक्षा.कोम के सभी वाचकों को दिपावली तथा नूतन वर्ष की ढेर सारी शुभकामनायें । आपके जीवन में खुशियों का ईन्द्रधनुष हमेशा बना रहें ।
*
गाँव के किस्से पुराने हो गये,
दोस्त बचपन के सयाने हो गये ।

माँ का पालव ओढने के ख्याल से,
मेरे सब सपने सुहाने हो गये ।

इश्क करने की मिली हमको सजा,
जख्म सब मेरे दिवाने हो गये ।

जिन्दगीने हाथ जो थामा नहीं,
तूट भूट्टा, दाने-दाने हो गये ।

वक्त फिर कटता रहा कुछ इस तरह,
हर पलक पर शामियाने हो गये ।

साँस की जारी रखी हमने भी जंग,
क्या हुआ, हम लहलुहाने हो गये ।

अब तो ‘चातक’ मौत से है पूछना,
क्यूँ मियाँ, आते जमाने हो गये ।

– © दक्षेश कोन्ट्राकटर ‘चातक’

5 Comments

રાણી મળે નહીં

પાણી જપો પણ પાણી મળે નહીં,
તરસના દેશમાં વાણી મળે નહીં.

તકદીરના કિસ્સા ઘડા જેવા હોય,
ભાગ્યરેખાઓ કાણી મળે નહીં.

આંસુને પૂછો તો તરત બોલશે,
લાગણી હંમેશા શાણી મળે નહીં.

પ્રેમના ઘરે કાયમની મોંકાણ,
ગોળ મળે પણ ધાણી મળે નહીં.

‘ચાતક’ના હાથમાં બાવન પત્તાં,
રાજા ખરાં પણ રાણી મળે નહીં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

થોભાવીને આવ્યો છું

સંવાદોને અધવચ્ચે પડતા મૂકીને આવ્યો છું,
ખામોશીના વણખેડ્યા ખેતર ખેડીને આવ્યો છું.

સંવેદનભીનાં હોઠો પર આવીને અટકી ગયેલા,
શબ્દોને એની મંઝિલ પર પહોંચાડીને આવ્યો છું.

સમજાવ્યે પણ ના સમજે એવા લોકોની ભીતરમાં,
નાનો, પણ સમજણનો દીવો પેટાવીને આવ્યો છું.

કોકરવરણી લાગણીઓને હૈયામાં દફનાવી દઈ,
શ્વાસોની ચાદર પર અત્તર ઓઢાડીને આવ્યો છું.

દાન, ધરમ, પૂજન, અર્ચન-એ સઘળાંથી સંતૃપ્ત હવે,
પયગંબરની ઝોળીઓને છલકાવીને આવ્યો છું.

‘ચાતક’ થઈને રાહ જુએ છે દોસ્ત, હવે એ પણ મારી,
બિચ્ચારા મૃત્યુને પાદર થોભાવીને આવ્યો છું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments