Press "Enter" to skip to content

Month: March 2012

જૂનું ઘર

રોજ ચણું છું પાંપણ વચ્ચે જૂનું ઘર હું ફળિયામાં,
ભીંત ચીતરી જેની હૈયે ક્ષણને બોળી ખડિયામાં.

વંશવેલ વીંટળાઈ જેને ફાલી-ફૂલી, વૃક્ષ બની
શોધું મૂળિયાં એનાં ઊભા જીર્ણ અડીખમ સળિયામાં.

પાડોશીનો પ્રસંગ, ઘરનો ઉત્સવ; એનું દુઃખ, પીડા,
દુઃખિયારાની છત ટપકે તો નેવાં ઘરનાં નળિયામાં.

બાએ પીરસેલા ભાણાંની લિજ્જત મહેકાવે મનને,
સ્વાદ યથાવત હજીય એનો ચણીબોરનાં ઠળિયામાં.

બાના હાથેથી ઊભરાતું વ્હાલ અડે મન-અંતરને,
તેલ ઘસીને કેશ ગૂંથે છે સ્મરણો મારા પળિયામાં.

એજ હીંચકો, એજ રવેશી, કાતરિયું, ભીંતો, બારી,
કેટકેટલી યાદો એની ખૂંપી પગનાં તળિયામાં.

બચપણનાં દિવસોનો મારો મહેલ ચણી આપે મુજને,
મળશે એવી ક્યાંય કુશળતા આજકાલના કડીયામાં ?

ક્ષણની ટિક્ ટિક્ માંથી નીકળી આજ જવું પાછા મારે,
હૈયાની વાતોને ચીતરું કેમ કરી કાગળિયામાં.

‘ચાતક’ વીતેલા દિવસોના મેળામાં ભટકી ભટકી,
છલકાઈ છે આંખો મારી આજ ફરી ઝળઝળિયામાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

એમ કહો ભાઈ, સૂરજ છે

ઝાકળની જો જાત બળે તો એમ કહો ભાઈ, સૂરજ છે,
આંખોમાંથી રાત સરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

પાંપણને પિયર સમજીને મોજ કરે સપનાંઓ પણ,
સાસરિયાનો સાદ પડે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

દીપ, આરતી, ઘંટારવ ને કુર્કટના પોકાર થકી,
માળાનું એકાંત ખરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

પર્વતને માથે મૂકેલા બર્ફ તણાં બેડાંમાંથી,
મેઘધનુષી ધાર વહે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

ધૂળ બનેલી પડછાયાની હસ્તી ઢળતી સાંજ સમે,
એ જ ફરીથી પ્હાડ બને તો એમ કહો ભાઈ, સૂરજ છે.

મુશ્કેલીની આંધીઓમાં જાત ડૂબેલી હોય અને,
વાંસે માનો હાથ ફરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

‘ચાતક’ની કિસ્મતમાં હરદમ ઈંતજારની રાતો છે,
પગરવ આવી સાદ કરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

કારણ પૂછો નહીં

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


(ગણગણાટ – ચાતક)

કોઈને ચાહવાના કારણ પૂછો નહીં,
આંસુને આવવાના કારણ પૂછો નહીં.

પ્રકરણ લખેલ પ્રેમનાં દિલની કિતાબમાં,
ભૂંસીને વાંચવાના કારણ પૂછો નહીં.

એના મિલનની ઝંખના મૃગજળ બની હશે,
રણને તરી જવાના કારણ પૂછો નહીં.

સપનાંની લાશને તમે ઉંચકીને જોઈ લો,
જીવનથી થાકવાનાં કારણ પૂછો નહીં.

પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં,
આંખોથી વરસવાના કારણ પૂછો નહીં.

મંઝિલ મળી ગયા પછી રસ્તો ભૂલાય ના,
પૂછીને ચાલવાના કારણ પૂછો નહીં.

કોઈના ઈંતજારમાં કેવી મજા હતી,
‘ચાતક’ થઈ જવાના કારણ પૂછો નહીં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

પાછાં ગયા

કમનસીબી આંખની કે બ્હારથી પાછાં ગયા,
સ્વપ્ન સોનેરી જીવનના ભારથી પાછાં ગયાં.

જિંદગી ખંડેર જેવી જર્જરિત ન્હોતી છતાં,
ભાગ્યના હાથોય જીર્ણોધ્ધારથી પાછાં ગયાં.

એ જ અવઢવમાં હજી પણ આંખ મીંચાતી નથી,
આપનાં પગલાં હશે, જે દ્વારથી પાછાં ગયા.

આપને જોયા હશે એણે કિનારા પર ઊભા,
એટલે સૌ કાફલા મઝધારથી પાછાં ગયા.

શ્વાસના અશ્વોની જેવી હણહણાટી બંધ થઈ,
રથ ત્યજી, પળવારમાં સૌ સારથી પાછાં ગયા.

જિંદગી ‘ચાતક’ સકળ વીતી જતે ઊપર જતાં,
ખુશનસીબી કે પતનની ધારથી પાછાં ગયા.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

ભીતર સળગવાનો

હકીકતને હથેળીમાં લઈ દર્પણ નીકળવાનો,
સૂરજ જેવા સૂરજને આગિયા સામે પટકવાનો.

ચરણને રોકવા દુનિયા કરી લે ધમપછાડા પણ,
અડગ નિર્ધારથી રસ્તો જઈ મંઝિલને મળવાનો.

હૃદયમાં લાખ છૂપી હો પ્રણયની વાત એથી શું,
અધર પર આવતાં નક્કી પ્રણય વચ્ચે અટકવાનો

હવા સાથે બદનની ગૂફ્તગૂ કાયમ નહીં ચાલે,
ગમે ત્યારે અચાનક શ્વાસનો સંચો બટકવાનો.

તમસના હાથ ટૂંપો આપશે, એથી થથરવું શું,
પ્રબળ શ્રદ્ધા થકી ચ્હેરો દીપકનો તો ઝળકવાનો.

પ્રતીક્ષાના શહેરમાં આગ હોવી છે સહજ ‘ચાતક’,
કોઈની યાદનો કિસ્સો સતત ભીતર સળગવાનો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

શું કામ ?

આ સન્નાટાના ઘરમાંહી શું કામ ઉદાસી ભટકે છે ?
શું કામ સમયના કાંટાઓ વીતેલી વાતો પટકે છે ?

આ રણની માફક ફેલાતી ઘનઘોર ઉપેક્ષાનું કારણ ?
જેનાં મૂળિયાંઓ વ્હાલ હતા એ વૃક્ષ હવામાં લટકે છે.

એ સ્નાન કરીને ઘરમાંથી દરરોજ અગાશીમાં આવે,
કાળા ભમ્મરિયાં કેશ નહીં, એ દિલના તારો ઝટકે છે.

એની આંખોમાં આંસુ જોઈ કો’ક ધરે એને રૂમાલ,
ના કોઈ સબંધ એની સાથે, પણ દિલમાં તોયે ખટકે છે.

ના એ પંખીની આંખ હતી, ના હુંય ધનુર્ધારી અર્જુન,
તો વાતવાતમાં શાને કાજે મન આ મારું છટકે છે ?

બે-ચાર ક્ષણોની મોજ અકારણ વરસોનો વનવાસ થશે,
બસ એ જ વિચારે સંબંધો દિનરાત હજુયે ચટકે છે.

તું કેમ નિરાશાનો પાલવ પકડીને બેઠો છે ‘ચાતક’,
જો દૂર ક્ષિતિજે, ઝરમરીયો વરસાદ હજી ક્યાં અટકે છે !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments