એક નહીં પણ એકસો સત્તર મળે,
ઝાંઝવાની જાત પણ સધ્ધર મળે!
ચાંદ સાથે રૂ-બ-રૂ વાતો કરે,
કોઈ ચહેરા એટલા અધ્ધર મળે.
ને મરણની બાદ પણ મ્હેંક્યા કરે,
આદમીરૂપે કદી અત્તર મળે.
લાગણીના કાન સરવા રાખ, તો
ઢાઈ અક્ષરનો તને મંતર મળે.
આયનામાં ઝાંખ, આતમરામજી,
ક્યાંક સૂતો એક દસકંધર મળે.
શબ્દના પ્હાડો ઉલેચી નાખતાં,
શક્ય ‘ચાતક’, મૌનનો ઉંદર મળે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments