Press "Enter" to skip to content

Month: February 2010

પાંદડી વાયરાને વળગી શું કામ ?


પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન.
(સંગીત: અમિત ઠક્કર, સ્વર : ગાર્ગી વ્હોરા, આલ્બમ – વિદેશિની)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળી પર ઝૂલતી’તી
ડાળી ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

– પન્ના નાયક (સાભાર – pannanaik.com)

6 Comments

આંખ આંસુથી ભરેલી છે છતાં …


મિત્રો આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે મારું એક સ્વરચિત ગીત પ્રસ્તુત કરું છું. એ સમર્પિત છે એવા તમામ પ્રેમીઓને જે પોતાના પ્રિય પાત્રોથી દુર છે, નારાજ છે, વિખુટાં પડેલા છે.

આંખ આંસુથી ભરેલી છે છતાં સ્મિત કરવાની આશ રાખું છું !
જિંદગી જખ્મો ભરેલી છે છતાં પ્રીત કરવાની આશ રાખું છું !

તમે ચાલી ગયા રિસાઈને એ યાદ છે અમને,
પછી કેવી રીતે વીતી, ખબર છે, રાત એ તમને?
લાગણી કૈં બેજુબાની છે છતાં વ્યક્ત કરવાની આશ રાખું છું !

જુઓ શું હાલ છે મારા હૃદયના અહીં તમારા વિણ,
તમારી સંગ એ વાતો કરે છે અહીં તમારા વિણ,
ભીંત સઘળીયે તૂટેલી છે છતાં મ્હેલ ચણવાની આશ રાખું છું !

વિરહની એક પળ કેવી વીતે છે, કહી નથી શકતો,
સમયના તીર વાગે છે ને હું એ સહી નથી શકતો,
આગ અહીં ચારે તરફ છે છતાં હિમ ખરવાની આશ રાખું છું !

મુકદ્દરમાં હશે મળવું તો એ ટાળી નહીં શકશો,
વચન છોને દીધું હો એ તમે પાળી નહીં શકશો,
બેડીઓ પગમાં જડેલી છે છતાં આભ અડવાની આશ રાખું છું !

તમે કોઈ દિવસ ખખડાવશો મારા હૃદય-દ્વારો,
ફરીથી સાંધશો તૂટી ગયા છે જે મધુર તારો,
વાંઝણી આશા મિલનની છે છતાં રોજ મળવાની આશ રાખું છું !

ભરીને શ્વાસમાં દરિયો તમે મુજ રણ ઉપર વરસો,
જુઓ છો રાહ શાની આજ તો ચાતક ઉપર તરસો,
ચોતરફ કૈં ઝાંઝવાઓ છે છતાં એને છળવાની આશ રાખું છું !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

નોંધ – આ ગીતની પ્રેરણા 2002માં રજૂ થયેલ ફિલ્મ-તુમસે અચ્છા કૌન હૈ-ના ગીતમાંથી મળેલી. આ ગીતનો ઢાળ એના પર આધારિત છે તથા મુખડાની પંક્તિઓના શબ્દ એને મળતા આવે છે. તે સિવાયની સંપૂર્ણ રચના મૌલિક છે. વાચકોની સ્પષ્ટતા અને સંદર્ભ માટે એ ગીત પણ અહીં રજૂ કરું છું.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

9 Comments

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું


કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.
[ સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ હસ્તાક્ષર ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ

5 Comments

પડછાયો કોઈ રોકો


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું, આશા છે એ આપને ગમશે.

આંસુથી ના ભીંજાતો પડછાયો કોઈ રોકો,
ના દર્દથી પીડાતો પડછાયો કોઈ રોકો.

માણસ થઈ ભટકતો જે ખુલ્લેઆમ ઘરમાં,
દર્પણથી ના ઝીલાતો પડછાયો કોઈ રોકો.

ભાવિના ગર્ભમાં છે અગણિત કૈં સવાલો,
પ્રશ્નોથી ના મૂંઝાતો પડછાયો કોઈ રોકો.

વિહરે છે કલ્પનોનાં પારેવડાં ગગનમાં,
પટકાઈને વીંધાતો પડછાયો કોઈ રોકો.

આયુષ્યની ક્ષિતિજે ઝળહળ જલે છે દીપક,
લાંબો થઈ ટૂંકાતો પડછાયો કોઈ રોકો.

બદલે મિજાજ મૌસમ કુદરત સમયની સાથે,
બદલ્યે ન બદલાતો પડછાયો કોઈ રોકો.

સૂસવે છે ઝાંઝવાના સરવર શહેર વચ્ચે,
‘ચાતક’થી ના સહાતો પડછાયો કોઈ રોકો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments