Press "Enter" to skip to content

Year: 2009

તમે પાછા ફરશો ક્યારે ?


મિત્રો, આજે બીજી ઓક્ટોબર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સત્ય અને અહિંસાના શસ્ત્રોથી બળવાન ગણાતી અંગ્રેજ સલ્તનતને ઝુકાવી, ભારતને સ્વતંત્ર કર્યું. અપાર લોકઆદર તો મેળવ્યો જ સાથે સાથે દુનિયાના ઈતિહાસમાં ભારતનું નામ અમર કર્યું. ગાંધીજી માત્ર એક સ્વચ્છ રાજકારણી જ નહોતા પણ સંત હતા, આધ્યાત્મિક મહામાનવ હતા. પ્રાર્થનામાં અને રામનામમાં તેમને અપાર વિશ્વાસ હતો. જીવનના અંત સમયે પણ હે રામ કહેવાનું ન ચુક્યા એવા આ ગુજરાતી સપૂતને આજે આપણે યાદ કરીએ. માણો શ્રી યોગેશ્વરજી કૃત ગાંધીજીની જન્મશતાબ્દિ નિમિત્તે 1969માં રચેલ મહાકાવ્ય ‘ગાંધીગૌરવ’માંથી આ સુંદર પદ.

તમે પાછા ફરશો ક્યારે?

મુરઝાયેલી માનવતાના માળી બનતાં વ્હારે
રેલવવા રસક્યારે રસને ફરી આવશો ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

પીડા પૃથ્વીપ્રાણે પાછી, એના એ ઉકળાટ,
ઘોર તમિસ્ત્ર છવાયાં સઘળે વ્યાપી જડતા-રાત;
પુણ્યપ્રભા પ્રકટાવી પ્રેમળ પવિત્ર ને રળિયાત
માનવને કહેવા વીસરાઈ એ જ ઐક્યની વાત,
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

શમી સમસ્યાઓ ના સઘળી નવી સમસ્યા જાગે,
અશાંત અટવાયેલી અવની આર્ત અધિકતર લાગે;
શસ્ત્રોના સંચય વધતાં ને ભેદભીતિ ના ભાગે,
વસતો સુંદર વસુંધરામાં માનવ ના રસરાગે.
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

અપૂર્ણ મૂકી ગયા કાર્યને પૂરણ કરવા પ્રેમે
પાછા ફરો કરીશું સ્વાગત નેહનીતરતાં નેને;
જરી જુઓ તો તમે ચાહતા શું ને આજ થયું શું,
ભારત ને મનુકુળના ભાગે આજે રિક્ત રહ્યું શું ?
પુષ્પો પાથરશું પંથમહીં વધાવતાં મધુમાળે … તમે પાછા ફરશો ક્યારે ?

એક મહામાનવને માગે મ્લાન મહીમંડળ આ
યુગોતણો ઈતિહાસ સર્જવા ઝંખે છે અંતરમાં;
પ્રકટો કે આશીર્વાદ ધરો વિભૂતિ કોઈ જાગે
રંગી દે અંતરને એના અભિનવ શાશ્વત રાગે,
ત્રુટિત સિતારી સાંધી છોડે દિવ્ય સુરાવલિ તારે … તમે પાછા ફરશો ક્યારે ?

શ્રી યોગેશ્વરજી કૃત ‘ગાંધીગૌરવ‘માંથી (સાભાર સ્વર્ગારોહણ )

3 Comments

હંસલા હાલો રે હવે


28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મનાર ‘ભારત રત્ન’  લતા મંગશેકર આજે એંસી વરસ પૂરા કરે છે ત્યારે સરસ્વતીના સદેહે અવતાર સમા લતાજીને સહુ વાચકો તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 1942માં ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરનાર સ્વર કિન્નરી લતાજીએ એમની લગભગ સાડા છ દાયકાની સફર દરમ્યાન વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલીવુડની એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો છે. સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઘણાં વરસો સુધી એમના નામે રહ્યો હતો. (જો કે પછીથી કેટલાક લોકોના મત મુજબ આશા ભોંસલેએ એથી વધુ ગીત ગાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો) કુલ ત્રીસ હજારથી વધુ ગીતો ગાનાર લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ કેટલાક યાદગાર ગીતો ગાયા છે. આજે એમાંનું એક ગીત સાંભળીએ.
*

*
હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડા નહીં રે મળે … હંસલા હાલો રે

ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે … હંસલા હાલો રે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે … હંસલા હાલો રે

– મનુભાઇ ગઢવી

9 Comments

દાડમડીના દાણા રાતાચોળ


મિત્રો, આજે સાંભળીએ એક મજાનું ગીત-ગરબો.
*
આલ્બમ- અમર સદા અવિનાશ, સ્વર- શિવાંગી

*
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી
દાડમડીના દાણા રાતાચોળ, રાતાચોળ સે
પગમાં લક્કડ પાવડી ને જરીયલ પ્હેરી પાઘલડી
પાઘલડીનાં તાણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની.

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઈશાની વાયરો વિંઝણું ઢોળે, વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથું ખોરડું ને, ખોરડે ઝુલે છાબલડી
છાબલડીના બોર રાતાચોળ, રાતાચોળ સે….વગડાની.

ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીરથ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવલડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડીનાં નયણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..

એક રે પારેવડું પિપળાની ડાળે, બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડલી હાલે, નેણલા પરોવીને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકડી
વાટકડીમાં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.

– અવિનાશ વ્યાસ

1 Comment

ઉત્તર જાજો દખ્ખણ જાજો


આજથી પચીસ-પચાસ વરસ પહેલાં જે ગરબા ગવાતા હતા તે આજકાલ શોધ્યે જડે તેમ નથી. મા અંબાની આરાધના તથા એમને ગરબે રમવાનું આમંત્રણ આપવા સિવાય ગવાનારા મોટા ભાગના ગરબાઓ લોકગીત હતાં. ગરબાને બહાને બ્હેનો ભેગી મળી પોતાના મનની વાતોની આપલે કરતી. આજે એવો જૂનો, ઘણાં વરસોથી ગવાતો આવેલ ગરબો સાંભળીએ. એમાં વ્યક્ત થયેલ ભાવ ખુબ સુંદર છે, આપણને પ્રેમનો અદભુત સંદેશ આપે છે.
*
સ્વર: અનીતા ગઢવી

*
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ,
જો કોઈ જાણે જગતમાં પછી જુદાં રહે નહીં કોઈ.
*
ઉત્તર જાજો, દખ્ખણ જાજો, જાજો દરિયા પાર
એવા મોતીસરને મેળે જાજો, લાવજો ઝીણી સેર … ઝીણાં મારુજી

લઈ જા એવા મલકમાં જ્યાં કોઈ ના વેરી હોય
હેતાળાં મમતાળાં દિલડાંના લ્હેરી હોય
આપણા મલકનાં માયાળુ માનવી, માયા લાગી જાય … ઝીણાં મારુજી

લઈ જા એવા મલકમાં જ્યાં પ્રીતના મંદિર હોય
પ્રીત્યું વિના બીજાની પૂજા કરે ના કોય
હેતના વ્હેતાં ઝરણાં હો ત્યાં કોઈ દિ ના સુકાય … ઝીણાં મારુજી

મોતી ભરેલા ચોકમાં રાધા રમે જ્યાં રાસ
એવું મંદિરીયું ગોતીને અમે કરીશું વાસ
સાત ભવના સાથી કેરા મનડાં લ્હેરે જાય … ઝીણાં મારુજી

3 Comments

માણીગર મુરલીવાળો શ્યામ


આજે અમિત ત્રિવેદી રચિત એક ગરબો. મીતિક્ષા.કોમના વાચકો માટે એને મોકલવા બદલ અમિતભાઈનો આભાર. અમિતભાઈની વેબસાઈટની મુલાકાત લેવાઅહીં જુઓ
*
સ્વર – ધ્વનિત જોશી

*
માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ… ઓ શ્યામ…

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલછોગાળો શ્યામ

કુંજ ગલીમાં તું અટકી જાતો, ગોકુળિયે તું કેમ ન આવે ?
યમુનાજીએ તને મારગ દીધો, યાદ તને એ કેમ ન આવે ?
માણીગર મુરલીવાળો શ્યામ

કલરવની કેડીએ અમે તો એકલા, સુણીએ છીએ અમે તારા ધબકારા
મુરલીના સુરોના આછા અજવાળા, ચીંધે ગોપીઓને મારગ પરબારા
માણીગર મુરલીવાળો શ્યામ

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલ છોગાળો શ્યામ

– અમિત ત્રિવેદી

2 Comments

જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો


આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે માણીએ.
*
સ્વર – અચલ મહેતા

*
જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાય રે…
વાંસળીના સૂર સૂણી, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાય રે…

ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાય રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાય રે

મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે

7 Comments