Press "Enter" to skip to content

Day: July 1, 2009

કોમળ શ્વાસોલાપ થવા દે


મિત્રો આજે મારી એક સ્વરચિત કૃતિ. વર્ષાઋતુના પગરણ થઈ ચુક્યા છે. વર્ષા એટલે પ્રેમની ઋતુ. એમાં સમગ્ર પ્રકૃતિ – પશુ, પક્ષીઓ, જીવજંતુ સર્વે પ્રણયના રંગે રંગાઈ જાય તો આપણે સહુ શા માટે બાકાત રહીએ ? વર્ષા એટલે પ્રેમના પ્રગાઢ આલિંગનનું પ્રકૃતિનું ઈજન; બેમાંથી એક થવાનું, અસ્તિત્વને ઓગાળવાનું અને લાગણીઓના અભિષેકનું આહવાન. પ્રેમમાં ધોધમાર વરસાદ જ હોય, સીમાઓને ઓળંગવાનું હોય, કાંઠા તોડી વહી જવાનું હોય, તરબતર થવાનું હોય. એવા જ કંઈક ભાવોને વ્યક્ત કરતી મારી આ રચના માણો.
(અને હા, એ કહેવાનું રહી ગયું કે આજે કે આજે મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમ – બંનેનો જન્મદિવસ છે. આજે મીતિક્ષા.કોમને એક વરસ પૂરું થાય છે. તમારા સૌના ઉમળકાભેર મળેલ સાથ-સહકાર બદલ હૃદયપૂર્વકનો આભાર.)

રાત જવા દે, વાત જવા દે, મોસમને બેતાબ થવા દે,
એકમેકમાં ઓગાળેલાં કોમળ શ્વાસોલાપ થવા દે.

ચાલ કરીએ સ્નેહે નર્તન, પ્રેમપત્રનું પુનરાવર્તન
ઝરમર ઝરમર ઝરતાં જળમાં ઝાકળશો ઉન્માદ થવા દે.

સ્થિર જીવનમાં પ્રેમ લપસણી, સાંજ બની છે કંકુવરણી,
ક્ષણની ક્ષીણ ક્ષિતિજ પર આજે, રેશમી તું પરભાત થવા દે.

તું યૌવન-ભરપૂર સુરાહી, અધરોથી છલકાતી પ્યાલી
ઢોળાઈને આજ ધરા પર, એને તું આબાદ થવા દે.

‘ચાતક’ની ધરતી છે પ્યાસી, છલકે રોમેરોમ ઉદાસી
એક અષાઢી સાંજ થઈ તું ધોધમાર વરસાદ થવા દે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

24 Comments