Press "Enter" to skip to content

Day: December 7, 2008

વિસ્તાર શબ્દનો

પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો
ઇશ્વરના દેહ જેટલો જ છે વિસ્તાર શબ્દનો

એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં
જે નીકળે છે, એ તો છે વ્યવહાર શબ્દનો

એને નહીં નડે પછી અર્થોનું આવરણ
થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો

તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યકત થઇ જશે
જીરવી નહીં શકે જો હૃદય ભાર શબ્દનો

એ વાત છે જુદી કે તમે સાંભળો નહીં
નહીંતર સતત થયા કરે સંચાર શબ્દનો

આ કોણ આવા શબ્દ અહીં વેરતું ગયું ?
મ્હેકી રહ્યો છે જાણે કે ગુલઝાર શબ્દનો

– લાભશંકર દવે

2 Comments