અમૃત ઘાયલ સાહેબની કદાચ સૌથી પ્રસિદ્ધ ગઝલ અને એને બખૂબીથી સ્વરાંકન કરનાર મનહર ઉધાસનો મનોહર કંઠ. સુંદર નયનની વાત આવે એટલે સહજ જ ઐશ્વર્યા રાયની આંખો માનસપટ પર આવે. તો આજે ગુજરાતી સાહિત્યની ઘરેણાં સમી કૃતિ, સુંદર સ્વર અને કાજળભર્યા નયનનો ત્રિવેણી સંગમ માણો મન ભરીને.
*
સ્વર- મનહર ઉધાસ
*
જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયે
આ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયે
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓ
જો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે.
*
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
સુંદર બની ગયું છે કંઈ ઓર દિલ મટીને,
તૂટી ગયું છે તોયે દર્પણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
લજ્જાના બંધ તોડી જુલ્ફો દિયો વિખેરી,
જીવન બને છો વેરણછેરણ, મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!
‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.
– અમૃત ‘ઘાયલ’
11 Comments