શુદ્ધ, પારદર્શક અને દિવ્ય પ્રેમનું સૌથી અદભુત ઉદાહરણ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. પવિત્ર પ્રેમ મનઅંતરમાં શાશ્વત છાપ અંકિત કરી જાય છે. જ્યારે પોતાનું પ્રિય પાત્ર પાસે ન હોય ત્યારે વિરહ સાલે છે, હૃદય એક અકથ્ય વેદનાનો અનુભવ કરે, એ સ્વાભાવિક છે. રાસ રમવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સ્થૂળ ગેરહાજરીમાં રાધા એકલતાનો અનુભવ કરે છે અને કૃષ્ણને પોતાની સાથે રાસ રમવા બોલાવે છે. વડોદરાના ગરબાની શાન સમાન, વિરહમાં બાંવરી બનેલી રાધાના અંતરના ભાવો પ્રકટ કરતું આ ખૂબ જ લોકપ્રિય પદ માણો અત્યંત લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતના કંઠે.
*
*
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે
તારા વિના શ્યામ …
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ
સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.