Press "Enter" to skip to content

Day: September 25, 2008

બોલ વ્હાલમના


સાંભળો કવિ મણીલાલ દેસાઈ રચિત ગ્રામ્ય પરિવેશમાં પાંગરતું આ સદાબહાર, કર્ણપ્રિય ગીત.
*

*
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના… ઉંબરે ઊભી

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના … ઉંબરે ઊભી

– મણીલાલ દેસાઈ

10 Comments