Press "Enter" to skip to content

Day: September 4, 2008

હસ્તાક્ષર


ઉમાશંકર જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, માધવ રામાનુજ, રમણભાઈ પટેલ અને તુષાર શુકલ રચિત ગીતો પર સ્વરાંકન થયેલ હસ્તાક્ષર આલ્બમનું આ ટાઈટલ ગીત છે. જગજતસીંઘનો ઘેરો અને ઘૂંટાયેલો અવાજ આ અર્થસભર રચનાને નવો મિજાજ આપે છે, એને ફરી ફરી સાંભળવાનું મન થાય એવી બનાવે છે. લેખન અને ગાયન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતાં એક આરાધના બની શકે … કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર; સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર. અદભૂત.
*
[સ્વર: જગજીતસીંઘ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી]

*
અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઇને ખુશ્બુ વહેતી ઘર ઘર;

સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછીં રંગ ભરે ને દ્રશ્ય સજીવન લાગે;

કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

– તુષાર શુકલ

4 Comments