આજે રક્ષાબંધનનો તહેવાર છે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ની જેમ જ ‘ભગિનીની જોડ સખી નહીં મળે રે લોલ’- એમ ગાવાનું મન થાય એવી વ્હાલના દરિયા જેવી બ્હેનો પોતાના બંધુઓને સ્નેહના પ્રતીક સમી રાખડી બાંધશે. આ એક દિવસ એવો છે જ્યારે બેનથી દુર હોવાનું ભાઈને સૌથી વધારે પીડે. એ પીડાને હળવી કરવા માણો ભાઈબેનના પ્રેમને પ્રકટ કરતું આ સુંદર ગીત.
*
[ફિલ્મ: સોનબાઈની ચુંદડી ]
*
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી.
હે લીમડીની આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય,
હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલણિયો જાય
લીલુડી લીમડી હેઠે, બેનીબા હિંચકે હીંચે … કોણ હલાવે
એ પંખીડા.. પંખીડા.. ઓરાં આવો
બેની મારી હિંચકે હીંચે ડાળીઓ તું ઝુલાવ
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હિંચો … કોણ હલાવે
આજ હિંચોળું બેનડી તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેનીનો હિંચકો ડોલે … કોણ હલાવે
કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી,
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ..
બેનડી ઝુલે .. ભાઈલો ઝુલાવે ડાળખી… કોણ હલાવે