ગુજરાતની ધરતીને વરસાદે વ્હાલથી નવડાવી દીધી એ સાંભળીને વરસતા વરસાદમાં પલળવાના ને ફરજિયાત ન્હાવાના દિવસો યાદ આવી ગયાં. વરસાદમાં ન્હાતાં પ્રેમભીના હૈયાને કોઈકના આવવાનો ઈંતજાર હોય છે અને એ નહીં આવે એવી ખબર પડતાં .. વરસતા વરસાદે પણ દિલમાં આગ લાગી જાય. સરળ સીધા શબ્દોથી સુંદર ભાવોની અભિવ્યક્તિને સાંભળો અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસના કંઠે.
*
[આલ્બમ: આભૂષણ, સ્વર- અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસ]
*
એ નહીં આવે કદી વરસાદમાં
આગ લાગી ગઈ સખી વરસાદમાં.
કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં.
એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.
દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.
છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’
શાયરી દુલ્હન બની વરસાદમાં.
– અદી મિરઝા
( * તગઝ્ઝુલ – ગઝલનો રંગ )
4 Comments