Press "Enter" to skip to content

Day: August 12, 2008

પણ ક્યાં સુધી ?

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. જીવનમાં બધી વસ્તુઓ, વ્યક્તિઓ અને સંજોગો આપણા મન મુજબ નથી મળતા. એ માટે પરિશ્રમ અને સંઘર્ષ તથા ભાગ્ય જોઈએ. વ્યક્તિ જ્યારે સંઘર્ષથી થાકી જાય અને એને ઈપ્સિત ન મળે ત્યારે એના મનમાં જે ભાવો ઉઠે તેનું ચિત્રણ આ રચનામાં ઝીલાયું છે. કદાચ ઘણાંને આ વાંચીને થશે કે આવા દિવસો અમે પણ જોયા છે !

સમયનો તકાદો છે ઈન્તજારનો
હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?

મંઝિલ નથી દૂર, મજલ છે લાંબી,
હું ચાલતો તો રહું, પણ ક્યાં સુધી ?

શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?

દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?

સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?

ધીરજની કસોટીની હદ હોય, ઓ ઈશ્વર !
તને પોકારતો રહું, પણ ક્યાં સુધી ?

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments