Press "Enter" to skip to content

Day: July 27, 2008

મને એ જ સમજાતું નથી

[ સ્કૂલમાં આ ભણવામાં આવતી હતી ત્યારની મનમાં વસી ગઈ હતી. આ કૃતિની રચનાને વરસો વીતી ગયા છે પણ એમાં ઉઠાવેલા બધા જ પ્રશ્નો આજે પણ એટલા વાસ્તવિક છે, કદાચ પહેલાં કરતાંય વધુ. આ કૃતિની એ વિશેષતા છે. સામાજિક વૈષમ્ય અને નસીબની બલિહારી પણ એમાં છતી થાય છે. શું આ સ્થિતિમાં કશો ફેર પડશે ? ]

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
ને લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

– કરસનદાસ માણેક

8 Comments