Press "Enter" to skip to content

Day: June 15, 2008

આ મનપાંચમના મેળામાં


છ અક્ષરનું નામ, રમેશ પારેખ ગુજરાતી સાહિત્યને મહેકાવી, છલકાવીને ચાલ્યુ ગયું. આજે એમની એક અર્થસભર સુંદર રચના માણીએ. જગત શું છે, વિવિધ માનવોનો મેળો. એવો મેળો જેમાં આપણે બધા જુદી જુદી વસ્તુઓ લઈ આવ્યા છે. કોઈની પાસે સપનાંઓ ભરી આંખો છે તો કોઈ એકલતાથી પીડાય રહ્યું છે, કોઈક લાગણીથી ભર્યુ ભર્યુ છે તો કોઈ નિરાંતનો દમ ભરી રહ્યું છે. મેળાના રૂપકોને માનવજીવનની સંવેદનાઓ સાથે અદભૂત રીતે સાંકળી શબ્દો અને ભાવોની કમાલ કરી છે. વારંવાર સાંભળવાનું મન થાય એવી આ રચના રેખા ત્રિવેદી અને ઉદય મજમૂદારના સ્વરમાં.
*
[આલ્બમ: હસ્તાક્ષર; સંગીત: શ્યામલ-સૌમિલ; સ્વર-રેખા ત્રિવેદી અને ઉદય મજમૂદાર]

*

*
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે;
કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા;
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ;
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યાં છે.

કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં;
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યાં છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા;
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા;
કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવ્યાં છે.

આ પત્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય ‘રમેશ’;
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યાં છે.

– રમેશ પારેખ

6 Comments