Press "Enter" to skip to content

Author: admin

ટહુકા દિવાલ પર


[Painting by Donald Zolan]

શંકા કરો નહીં તમે આંખોના હાલ પર,
જોયાં છે આવતાં ઘણાં આંસુને ગાલ પર.

શ્રદ્ધા જરૂરી હોય છે મંઝિલને પામવા,
ચાલી શકે ચરણ નહીં કેવળ ખયાલ પર.

નીપજે છે સાત સૂર જ્યાં, એની પિછાણ છે,
ધડકે છે એટલે હૃદય અદૃશ્ય તાલ પર.

ઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું,
ટાંગી બતાવે એ મને ટહુકા દિવાલ પર.

વર્ષો વીત્યાં છતાં હજી ઝાંખી થતી નથી,
કેવી સુગંધ ચીતરી એણે રૂમાલ પર.

‘ચાતક’, કથાનો અંત શું સાચે સુખદ હશે ?
અટકી ગઈ છે વારતા, એવા સવાલ પર.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

સુતીક્ષ્ણ ધાર છે


[Painting by Donald Zolan]

સાંજ પડવાની હજી તો વાર છે,
સૂર્ય, પણ બપ્પોરથી બિમાર છે.

એક ચંદાથી લડાશે કેટલું,
વાદળોનું સૈન્ય પારાવાર છે.

ચાંદનીના પ્રેમમાં પાગલ બની,
કૈંક તારાઓ થયા ખુવાર છે.

બૉલ પાણીનો જો છટકે આભથી,
કેચ કરવા ઝાડવાં તૈયાર છે.

સ્મિત, આંસુ, દર્દ, પીડા, ચાહના,
લાગણીના કેટલા વ્યાપાર છે !

શ્વાસની છે ડોર એના હાથમાં,
દેહ આંટા મારતો ગુબ્બાર છે.

રોજ આવે છે ઘસાવાને સમય,
આંખ ‘ચાતક’ની સુતીક્ષ્ણ ધાર છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

આકાશની વચ્ચે

જીવે ધરતીની આશા જે રીતે આકાશની વચ્ચે,
જીવનની શક્યતાઓ જીવવાની લાશની વચ્ચે.

કળી થઈ ફૂલ બનવાના અભરખા પોષવા માટે,
તમારે જીવવું પડશે સતત પોટાશની વચ્ચે.

અરે, તારા જ સ્મરણોથી તો હું નવરો નથી પડતો,
અને મળવાનું કહે છે તું મને નવરાશની વચ્ચે !

તું રણ થઈ વિસ્તરે ને હું બનું મોસમ બહારોની,
તો મળવું શી રીતે સંભવ બને અવકાશની વચ્ચે.

તમાચા ગાલ પર મારીને સાબિત સ્મિત કરવાનું,
કહો, લાવું ગુલાબી શી રીતે લાલાશની વચ્ચે.

જુઓ, લીમડાની ડાળીના મરકતા બેય હોઠોને,
જીવે છે લ્હેરથી કેવાં સતત કડવાશની વચ્ચે.

ઝહરના ઘૂંટ પીવાનું મને મંજૂર છે ‘ચાતક’,
નથી ગમતું પડી રહેવું સદા કૈલાશની વચ્ચે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

અહીં હોવું એ એક ગુનો છે


[A Painting by Amita Bhakta]

સંવાદનો ઓરડો સૂનો છે,
આંખોનો ખૂણો ભીનો છે.

એક તીણી ચીસ હવામાં છે,
અહીં હોવું એ એક ગુનો છે.

લાવી લાવીને શું લાવું ?
તારો ચ્હેરો જ નગીનો છે.

તું ડૂબી જાય છે પળભરમાં,
મારો પ્રવાહ સદીનો છે.

એનાથી આગળ શું ચાલું ?
રસ્તો બસ ટોચ લગીનો છે.

છે મારી આંખોમાં દરિયો,
ને પાંપણ બ્હાર જમીનો છે.

તું અર્થ ન પૂછ પ્રતીક્ષાનો
‘ચાતક’, એ શબ્દ કમીનો છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

રદિયો આપવા માટે

સમયના હાથમાં થોડી ખુશીઓ આપવા માટે,
અમે મીંચી દીધી આંખોને સ્વપ્નો આપવા માટે.

સરિતાની કહાણી છાપવાની કોને ફુરસદ છે ?
ફના થઈ જાય એ છોને દરિયો આપવા માટે.

અમે તો ધારી બેઠા કે તમે કેવળ અમારા છો,
નજર થોડી હટાવો આપ રદિયો આપવા માટે.

તમે વાંચી ગયાં જેને ગણીને શ્યાહીનાં અક્ષર,
અમારું ખૂન રેડાયું એ શબ્દો આપવા માટે.

વિલંબિત શ્વાસ એનાં સ્પર્શથી થઈ જાય છે બેફામ,
હૃદય નાનું પડે છે જેને તખ્તો આપવા માટે.

લખું છું નામ મક્તામાં હું ‘ચાતક’ બસ પ્રણાલીથી,
ખુદા, આભાર તારો આવી ગઝલો આપવા માટે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

શક્ય જેવું હોય છે


[Painting by Donald Zolan]

તીર સાથે સખ્ય જેવું હોય છે,
લક્ષ્યને ક્યાં ભક્ષ્ય જેવું હોય છે,

જો હરણની આંખથી દુનિયા જુઓ,
ઝાંઝવું પણ શક્ય જેવું હોય છે.

જિંદગી દર્પણ હશે, આભાસ ના,
ક્યાંક એમાં તથ્ય જેવું હોય છે.

સુખ વ્હેલી રાતના ઝાકળ સમું,
દુઃખ તો પર્જન્ય જેવું હોય છે.

સાંજના કિલકાટ કરતું ઝાડવું,
બાગમાં મૂર્ધન્ય જેવું હોય છે.

ક્યાંકથી આવી ચડે તારું સ્મરણ,
એય સાલું સૈન્ય* જેવું હોય છે.

શ્વાસનું આવી અને પળમાં જવું,
એ જ શું ચૈતન્ય જેવું હોય છે ?

જિંદગી ‘ચાતક’ બને જો ભીંત સમ,
બારણું ત્યાં ધન્ય જેવું હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

18 Comments