Press "Enter" to skip to content

Author: admin

બ્હાર નીકળવું અઘરું છે

સંબંધોના સગપણમાંથી બ્હાર નીકળવું અઘરું છે,
દોસ્ત, ત્વચાના પ્હેરણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

જે આંખોની અંદર વસતા હોય સુરાલય, સાકી, જામ,
એ આંખોના કામણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

કેમ ફસાયા છે, એની ચર્ચા કરવાનું માંડી વાળ,
કારણ, એના કારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

ઈશ્વરમાં શ્રદ્ધાનો મતલબ જે કરશે, સારું કરશે,
મિથ્યા હૈયાધારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

સ્વપ્નાઓ સાકાર થવામાં મુશ્કેલી તો રહેવાની,
બિડાયેલી પાંપણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

‘ચાતક’ ના પૂછે કોઈને તરસ્યા હોવાના કારણ,
એ જાણે છે કે રણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

અખાતી નથી

સૌ મિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની અઢળક શુભેચ્છાઓ ..
*
થોડી ધીરજ સમયથી રખાતી નથી,
જિંદગી બે જ પળમાં લખાતી નથી.

તું નહીં આવે એનીય આવે ખબર,
સાંજ પડતાં જ બારી વખાતી નથી.

આંખના આંસુઓ છોને મોતી કહ્યા,
પાંપણોના પ્રદેશો અખાતી નથી.

ઓ ખુદા, તું કશે એવી સગવડ તો કર,
જિંદગી લીધા પહેલાં ચખાતી નથી.

નામ ‘ચાતક’ છે એથી થઈ શું ગયું,
બેડીઓ આંખ ઉપર નખાતી નથી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

આંખોમાં પાણી હોય છે

જેટલી પીડા પુરાણી હોય છે,
એટલું આંખોમાં પાણી હોય છે.

આંખ કહી દે છે વ્યથાની વારતા,
આંસુને ક્યાં કોઈ વાણી હોય છે ?

સ્પર્શ કરતાંવેંત સમજી જાય એ,
લાગણીઓ ખુબ શાણી હોય છે.

હસ્તરેખામાં લખેલી સિદ્ધિઓ,
બેય હાથોથી અજાણી હોય છે.

ફુલનો પ્રસ્વેદ ઝાકળ છે અને,
મ્હેક એ એની કમાણી હોય છે.

આજની તાજા કલમ ‘ચાતક’ ગઝલ,
બાકી એની એ કહાણી હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

મુક્તકો

તું નથી એ સ્થાનમાંય તારો વાસ છે.
ભૂલી જવાના એટલે નિષ્ફળ પ્રયાસ છે,
તાજી હવા ગણીને મેં જે ભરી લીધા,
મારા બધાય શ્વાસ પણ તુજ ઉચ્છવાસ છે.
*
રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે ?
સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે ?
ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો મુજને,
ઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવી સ્હેલી છે ?
*
ઈચ્છાઓના પગ ભારી છે હમણાંથી,
આંખ રહે છે બોઝિલ તારા શમણાંથી,
ચાંદ સમો તારો ચ્હેરો જોવા માટે,
રોકી રાખું હું સૂરજ ઉગમણાથી.
*
મસ્ત હો તો smile થી રાજીપો મોકલાવ,
Text કર ને date ની તારીખો મોકલાવ,
તું મને તારો સમજતી હોય મહોતરમા,
તો કદી miss call થી ખાલીપો મોકલાવ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

મત્તું મારવા બેઠા છીએ


[Painting by Donald Zolan]

બંધ બારીને ક્ષણોથી તાકવા બેઠા છીએ,
એકબીજાની તરસને માપવા બેઠા છીએ.

પંથ પર પગલાં ભર્યેથી હાથ આવે મંઝિલો,
આપણે રસ્તાની વચ્ચે હાંફવા બેઠા છીએ.

મખમલી સંબંધના મોંઘા મુલાયમ વસ્ત્રને,
સોય શંકાની લઈને સાંધવા બેઠા છીએ.

જે થકી બાજી જીવનની આજલગ જીતતા રહ્યા,
લાગણીનું એજ પત્તું કાઢવા બેઠા છીએ.

માંગવું હો તે બધુંયે આજ માંગી લે ખુદા,
આંખ મીંચી આજ મત્તું મારવા બેઠા છીએ.

જિંદગી ‘ચાતક’ બરફની ભીંત જેવી છે હવે,
શ્વાસના સૂરજ થકી પિગળાવવા બેઠા છીએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

પીડાપુરાણ છે

સૌ મિત્રોને જનમાષ્ટમીની મોડી પણ મોળી નહીં એવી શુભેચ્છાઓ ..

બાકી જગતમાં સૌને સુખની લહાણ છે,
મારા જ ભાગ્યમાં પ્રભુ પીડાપુરાણ છે ?

તારા લખેલ લેખથી કરતા રહીએ કર્મ,
તોયે અમારા સ્વપ્ન જો, લોહીલુહાણ છે.

ભૂલી ગયા જો હોય તો તાકીદ ફરી કરું,
તારા ભરોસે ચાલતા મારા વહાણ છે.

બાઈબલ, ગીતા, કુરાન તો અર્ધો જ શ્લોક છે,
મારે તો માના ચરણમાં આઠે પુરાણ છે.

પૂરા થશે બધાં પછી લીલાલહેર છે,
આ શ્વાસ છે ને ત્યાં લગી સૌ ખેંચતાણ છે.

‘ચાતક’ જીવનના મર્ઝનો કોઈ ઈલાજ ક્યાં,
આંસુનાં બે જ ઘૂંટડાઓ રામબાણ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments