મારા વિશે

mitixa

મારું નામ મીતિક્ષા, જન્મ ભરુચ. નાનપણથી જ સાહિત્યનો શોખ – કવિતા, ગીત, ગઝલ, વાંચવાનું અને જે ગમે તેને ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. લગ્ન પછી વડોદરા આવી. ઈશ્વરકૃપાથી સાહિત્યપ્રિય અને સંસ્કારી ઘર મળ્યું. ઘરમાં કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ હોવાથી ઘણી ગુજરાતી વેબસાઈટો જોઈ મને થયું કે હું પણ મારા સાહિત્ય-સંગ્રહમાંથી કંઇક વહેંચું.

20 માર્ચ, 2008 ના રોજ અમારી કારને જીવલેણ અકસ્માત નડ્યો. ઈશ્વરકૃપા અને વડીલોના આશીર્વાદથી ઓપરેશન, સર્જરી અને લાંબા સમયના હોસ્પિટલ નિવાસ પછી સ્વસ્થ ઘરે પાછા ફરવાનું થયું. જીવનની ક્ષણભંગુરતા સમજાઈ. થયું કે જે કરવાનું મન હોય તેને માટે યોગ્ય સમયની રાહ ન જોવી. કાલનો શું ભરોસો ? એટલે મીતિક્ષા.કોમનો જન્મ થયો. મારા દિયર દક્ષેશભાઈએ અકસ્માત પછીના મારા પ્રથમ જન્મદિને આ સુંદર વેબસાઈટની ભેટ ધરી. એ માટે એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

આશા રાખું કે ગુજરાતી સાહિત્યપ્રેમીઓને મારો આ પ્રયાસ ગમશે અને નવી પેઢીમાંથી વિલુપ્ત થતી જતી માતૃભાષાને બળ મળશે. આ સાઈટ કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવોનો મને ઈંતજાર રહેશે.
- – - – - – - -

દક્ષેશભાઈ (લોસ એન્જલસ)

આ વેબસાઈટના સર્જનહાર અને મારા લાડલા દિયર … તેમનો પરિચય તેમના જ શબ્દોમાં…
Daxesh Contractor 'chatak'

મારો પરિચય મારી રચનાઓ … એ ન્યાયે મારા વિશે કંઈ કહેવા કે લખવા કરતાં મારી રચનાઓ એ અંગે કહે તે વધુ યોગ્ય છે. પણ મારા વિશે અંગત થોડી માહિતી અહીં આપું તો અસ્થાને નહીં ગણાય. મારો જન્મ વલસાડમાં, વતન સુરત પણ શિક્ષણ વલ્લભ વિદ્યાનગર અને અમદાવાદમાં થયું. 1990 થી વડોદરા સ્થાયી અને છેલ્લા દસેક વરસથી લોસ એન્જલસમાં છું. દેશ બદલાવા છતાં માતૃભાષા સાથેનો નાતો તૂટ્યો નથી, વધુ મજબૂત થયો એનો આનંદ છે.

યોગ અને અધ્યાત્મમાં વિશેષ રુચિ છે. Living with the Himalayan masters (સ્વામી રામ), Autobiography of a Yogi (પરમહંસ યોગાનંદ), પ્રકાશના પંથે (યોગેશ્વરજી), મારા અનુભવો (સ્વામી સચ્ચિદાનંદ), બાલાજોગણ (ર.વ.દેસાઈ) જેવા અદભુત ગ્રંથોએ મારા અધ્યાત્મરસને સિંચ્યો છે.  સ્વર્ગારોહણ (www.swargarohan.org) મારું પ્રિય સર્જન છે. અવકાશનો મોટાભાગનો સમય તેની પાછળ ખર્ચાય છે, અને મને સ્વાત્માનંદ આપે છે. સાહિત્યની રુચિ આરંભના વરસોમાં વિશેષતઃ ગઝલો પૂરતી મર્યાદિત હતી, પણ છેલ્લા થોડા વરસોથી બધા પ્રકારની પદ્યરચનાઓ ગમે છે. એના વિકાસમાં મોટો ફાળો મીતિક્ષા.કોમનો છે.

માર્ચ 2008 માં ભાઈની કારને અકસ્માત થયો, અને એ આ સાઈટની રચનાનું કારણ બન્યો. અકસ્માતમાં માસી વિદાય થયા પણ ભાઈ, ભાભી અને મમ્મી ઈશ્વરકૃપાથી બચી ગયા. એક ક્ષણ માટે થયું કે જો તેઓ ખરેખર ચાલી ગયા હોત તો ? માત્ર તેમની મધુર સ્મૃતિઓ રહી જાત. લોકો વ્યક્તિની વિદાય પછી એમની પાછળ એમને જે પ્રિય હોય તે કરે છે, કરાવડાવે છે. શા માટે એમની હયાતિમાં જ એમને અને ઈશ્વરની પ્રસાદીરૂપ પ્રાપ્ત થયેલ જીવનને ન આવકારીએ ? બસ, આ શુભ ભાવથી ભાભીના અકસ્માત પછીના પ્રથમ જન્મદિને એમને મનગમતી ભેટરૂપે આ વેબસાઈટનું નિર્માણ થયું.

આ વેબસાઈટ પર રજૂ કરેલ મારી રચનાઓની યાદી આપને અનુક્રમણિકા-1 પર જવાથી મળી શકશે. અહીં કેટલાંક શેર પ્રસ્તુત કર્યા છે :

‘ઋતુરાણી વર્ષા ને ઉમટેલ આભે ઘટાટોપ વાદળના કેવા સમુહો !
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?’
*
જે ક્ષણે ચૂમે ગગનમાં ચાંદ સૂરજનું બદન,
સ્પર્શના ઉન્માદથી નભ રક્તવર્ણું થાય છે.
*
એક વીજળીનો ઝગારો લાવતાં,
આભને અંધાર આવી જાય છે.
*
એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
જળ નહીં તો આંસુઓ પીવાય છે.
*
એમણે જાતાં કહ્યું’તું ‘આવજો’,
એ જ કારણથી હજુ રોયો નથી.
*
વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે.
*
તું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,
ઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.
*
લાગણી, સંવેદના કેવળ કવિને હાથ છે,
જિંદગીને ગદ્યરૂપે હું છતાં જોતો નથી.
*
એ જ શ્રદ્ધા સાથ કે એ વાંચશે કોઈ દિવસ,
શ્વાસમાં પત્રો બીડું છું રોજ હું એના ઘરે.
*
મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે,
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી.
*
ચૂમવા ચાહે ધરાને તું હજારો હોઠથી ?
પાનખરમાં પાન ખરતાં કેમ, એ સમજાય ના.
*
શોધવા કોને ધરા પર, આભથી
આમ વીજળીનો ઝગારો થાય છે ?
*
સ્થાપિત યુગો યુગોના રસમો રીતિ રિવાજ
તોડી, ધનુષ વિનાયે વરવાનું બને ખરું.
*
જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે.
*
હો સનાતન સાથ કેરી ઝંખના
દેહ, પણ નશ્વર મળે તો શું કરો ?
*
નહીંતર જઈ વસે ના ભમરાં મકાનમાં ?
આશિક હૃદયને પ્રેમની પહચાન હોય છે.
*
જ્ઞાન બોધિનું મળે ચારે તરફ,
બુદ્ધ થઈને તોય ક્યાં રહેવાય છે ?
*
હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે,
ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.
*
એક આંસુ આંખમાંથી બ્હાર ચાલી જાય છે,
ભીતરી સંવેદનાનું દ્વાર ખોલી જાય છે.
*
કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.
*
શું નદીઓ આટલું રોતી હશે,
આ સમંદર કેમ ખારો થાય છે?
*
શબ્દનું સંધાન કરવાની કરું શરૂઆત ત્યાં,
સાવ ઓચીંતુ કલમ પર અવતરણ આવી મળે.
*
ઝાકળનું માન રાખવા પલળી જવું પડે,
બાકી તો ફુલનુંય અભિમાન હોય છે.
*
કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.
*
એ ખડક હોવાનો દાવો શું કરે,
શું ફુટેલા તૃણ બધા પોકળ હશે?
*
એમના દર્શન તણી છે ઝંખના સૌને છતાં,
એમના હાથે વીંધાવા કોણ હરણું થાય છે ?
*
એક અણધાર્યું મિલન એનું હજી
સ્વપ્ન થઈ આંખોમહીં ઘોળાય છે.
*
અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી
*
લોહીના સંબંધ પણ અક્ષત નથી,
લાગણીઓથી સતત ડહોળાય છે.
*
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.
*
ખળખળ વ્હેતી તુજ આંખોમાં સળગે છે લાશો સ્વપ્નોની,
કોણે કહ્યું, જળ-અગ્નિનો કો’દિ સહવાસ નથી થાતો ?
*
તમારી આ આંખોમાં અશ્રુઓ શાને,
અમે તો અમારી કહાની લખી છે !
*
****
and many more to come ….